ઈંગ્લૅન્ડ સામે દક્ષિણ આફ્રિકાની એક રને રોમાંચક જીત

ઈંગ્લૅન્ડ સામે દક્ષિણ આફ્રિકાની એક રને રોમાંચક જીત
એનગિડીએ અંતિમ ઓવરમાં ઈંગ્લૅન્ડને 7 રન ન કરવા દીધા
નવી દિલ્હી, તા. 13 : ટી20 શ્રેણીના પહેલા મુકાબલામાં દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર લુંગી એનગિડીએ અંતિમ ઓવરમાં બે વિકેટ મેળવીને ઈંગ્લેન્ડના હાથમાં રહેલી જીતને છિનવી લીધી હતી. એક ઓવરમાં ઈંગ્લેન્ડની ટીમને જીત માટે સાત રનની જરૂરીયાત હતી. જેમાં એનગિડીએ ટોમ કર્રન અને મોઈનને આઉટ કર્યા હતા. જ્યારે હડબડીમાં આદિલ રાશિદ રનઆઉટ થયો હતો અને દક્ષિણ આફ્રિકાની ટીમને એક રને રોમાંચક જીત મળી હતી. 
દક્ષિણ આફ્રિકાએ પહેલા બેટિંગ કરતા ટેમ્બા બવુમાના 27 બોલમાં 43 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં  આઠ વિકેટના નુકશાને 177 રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકાએ આપેલા 178 રનના લક્ષ્યનો પીછો કરતા ઓપનર જેસન રોયના 70 અને કેપ્ટન ઈયોન મોર્ગનના 52 રનની મદદથી ઈંગ્લેન્ડની ટીમ મજબુત સ્થિતિમાં પહોંચી હતી. અંતિમ ત્રણ ઓવરમાં એનગિડીની આગેવાનીમા દક્ષિણ આફ્રિકાના બોલરોએ બાજી પલટી દીધી હતી અને ઈંગ્લેન્ડે માત્ર 24 રન ઉપર 6 વિકેટ ગુમાવી દીધી હતી અને ટીમ નવ વિકેટે 176 રન બનાવી શકી હતી. મેચમાં એડિલેફેહલુકવાયો અને બ્યૂરેન હેંડ્રિક્સે બે બે વિકેટ લીધી હતી.

Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer