નિકલની તેજી માટે આગામી બે વર્ષ સૌથી ઉત્તમ

નિકલની તેજી માટે આગામી બે વર્ષ સૌથી ઉત્તમ
ઇબ્રાહિમ પટેલ તરફથી 
મુંબઈ, તા. 13 : 2019માં ઔદ્યોગિક ધાતુઓમાં સૌથી મોટી તેજી નિકલમાં જોવાઈ હતી. ઈન્ડોનેશિયાએ નિકલની કાચી ધાતુ પર નિકાસ પ્રતિબંધ મૂક્યો અને સાથે જ ઇલેક્ટ્રિક કાર બેટરી માટે જબ્બર માગ નીકળી, પરિણામે જૂન-સપ્ટેમ્બર 2019 ત્રિમાસિકમાં નિકલના ભાવ 34 ટકા ઉછળ્યા હતા. ચીનમાં કોરોના વાઈરસે કાળો કેર વર્તાવ્યાના સમાચાર મથાળાંમાં ચમકવા લાગ્યા તે પહેલાં જાન્યુઆરી 8થી 20 સુધી કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં મોટાભાગના મેટલ એનાલિસ્ટોએ કહ્યું હતું કે ગત વર્ષની માફક આગામી બે વર્ષ નિકલની તેજી માટે સૌથી ઉત્તમ વર્ષો ગણાશે. 
નિકલ સંબંધી માસિક પ્રકાશનના ઈવી (ઈલેક્ટ્રિકલ વ્હિકલ)  ઈન્ટેલિજન્સ અહેવાલમાં કહેવાયું હતું કે નવી પેસેન્જર કાર માટે સુધારેલી બેટરીમાં 14 કિલો નિકલની આવશ્યકતા રહેશે, જે ઓક્ટોબર 2018ની તુલનાએ 20 ટકા વધુ હશે. 2018માં નિકલનું ઉત્પાદન 23 લાખ ટન થયું હતું. 2019મા ઈવી કાર બેટરીમાં વપરાશ માત્ર 6 ટકા જ થયો હતો;  70 ટકા નિકલ સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદનમાં વપરાયું હતું. જાન્યુઆરીમાં થયેલા સર્વેક્ષણમાં એનાલિસ્ટોએ 2020માં નિકલના સરેરાશ ભાવ ગતવર્ષના પ્રતિ ટન 13,903 ડોલરથી 10 ટકા વધીને 15,325 ડોલર અને 2021માં 19 ટકા વધીને 16,500 ડોલર થવાની અગાહી કરી હતી.   
આવી સળંગ તેજીની આગાહીનું મૂળ કારણ ઇન્ડોનેશિયાએ આ વર્ષના આરંભથી નિકલની કાચી ધાતુ પર મૂકેલો પ્રતિબંધ છે. એવી વ્યાપક માન્યતા છે કે ઇન્ડોનેશિયા તેની નબળી નિકલ પીગ આયર્ન ઓરની મહત્તમ નિકાસ ચીનમાં કરશે. એનાલિસ્ટો હવે સર્વાનુમતે એવું સ્પષ્ટ માનવા લાગ્યા છે કે નિકલમાં 2020માં 31,000 ટન અને 2021મા 74,000 ટનની  પુરવઠા ખાધ રહેશે. 
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer