સોપારીમાં ઘરાકી ઠંડી છતાં ભાવ મક્કમ ટકેલા

સોપારીમાં ઘરાકી ઠંડી છતાં ભાવ મક્કમ ટકેલા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : સોપારીમાં ઘરાકી ઠંડી હોવા છતાં માલબોજના અભાવે ભાવ મક્કમ ટકેલાં છે, એમ સ્થાનિક એપીએમસીના વેપારીઓનું  કહેવું છે.
મેંગલુરુથી સોપારીની નવા પાકની આવકોનો આરંભ થયો છે. સોપારીના વિવિધ ઉત્પાદક વિસ્તારમાં આ વર્ષે એકંદરે 30-40 ટકા જેટલો પાક ઓછો છે.
આ વર્ષે સિરસીમાં પ્રતિકૂળ હવામાનથી અને મેંગલુરુમાં પણ આ વર્ષે ભારે વરસાદ અને જમીન ઘસી પડવાની અસર પાક પર થઈ છે. વધુમાં, ગયા વર્ષે સોપારીના ફળમાં સડો લાગવાથી પાક ઓછો હતો પરિણામે માલપૂરાંત નહીં હોવાનું વેપારીઓનું જણાવવું છે.
બર્માથી દાણચોરી દ્વારા થતી સોપારીની આયાત સાથે હથિયાર મળી આવતા ત્યાંથી હજી પણ આયાત બંધ છે.
સ્થાનિક એપીએમસી બજારમાં સોપારીની દૈનિક સરેરાશ આવક 100-150 ગુણી (પ્રત્યેક 65 કિ.ગ્રા.)ની આવક થઈ રહી છે. સફેદ સોપારીનો મુખ્યત્વે ખાવામાં અને લાલ સોપારીનો 80 ટકા જ્યારે 20 ટકા સફેદ સોપારીનો ગુટકામાં વપરાશ
રહ્યો છે. સ્થાનિક એપીએમસી બજારમાં જૂની સફેદ સોપારીના પ્રતિકિલો જથ્થાબંધ ભાર કરવેરા સિવાય અૉક્ટોબર 2019માં રૂા. 245-250, ડિસેમ્બરમાં રૂા. 300-310 જ્યારે હાલ વધીને રૂા. 340-370 જેવાં છે, જ્યારે ગુટકામાં વપરાતી લાલ સોપારીના ભાવ ગયા મહિને રૂા. 320-325 હતાં તે આ મહિને વધીને રૂા. 380-390 થયા છે. જોકે, છેલ્લાં બે વર્ષથી પાક નબળો હોવાથી ભાવ વધી રહ્યા છે. વધુમાં, આયાતી માલ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ભાવમાં આગામી સમયમાં મંદીની શક્યતા જણાતી નહીં હોવાનું વેપારીઓનું કહેવું છે.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer