કોરોના વાઇરસ સંબંધી ચિંતા ફરી જાગતાં શૅરોમાં નરમાઈ

કોરોના વાઇરસ સંબંધી ચિંતા ફરી જાગતાં શૅરોમાં નરમાઈ
નાણાં સેવા, ખાનગી બૅન્ક, મેટલમાં વેચવાલી
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : એશિયાનાં બજારોમાં દબાણ અને સ્થાનિકમાં ઊંચા સ્તરે કેટલાક શૅરોમાં નફાતારવણીને લીધે શૅરબજાર નકારાત્મક બંધ રહ્યું હતું. ચીનના હુવઇ પ્રાન્તમાં કોરોના વાઇરસથી 232 મૃત્યુના અહેવાલે એશિયામાં વલણ પુન: ખરડાયું છે. સ્થાનિકમાં બુધવારે 12201 ઉપર બંધ આવ્યા પછી આજે એનએસઈ ખાતે નિફ્ટી 12225 સુધી ગયા પછી નફાતારવણીથી ઘટીને 12139 સુધી ઘટયો હતો અને નીચેની સપાટીએ વેચાણ કપાવા છતાં, સત્રના અંતે 27 પૉઇન્ટ ઘટીને 12175ની સપાટીએ બંધ હતો. બીએસઈ ખાતે નિફ્ટી 106 પૉઇન્ટ દબાણે 41460ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે અઠવાડિક ધોરણના નિફ્ટી વાયદાનો અંતિમ દિવસ હતો. આજના ઘટાડામાં બીએસઈ મિડકેપ-સ્મોલકેપ બંને ઇન્ડેક્સ ઘટાડે હતા. એમએસઈમાં નિફ્ટીના અગ્રણી 29 શૅરના ભાવ ઘટવા સામે 21 શૅર ઓછાવત્તા સુધારે રહ્યા હતા. તાતા ગ્રુપના ટિસ્કો 2 ટકા, ટાઇટન 2 ટકા સુધારે રહ્યા હતા. જોકે, ક્ષેત્રવાર જોતા મિશ્ર ચિત્ર હતું. નિફ્ટી બૅન્કકેસ - નાણાં સેવા ઇન્ડેક્સ 1 ટકા સુધી ઘટયા હતા. જેની સામે ફાર્મા-આઈટી - મીડિયા 1 ટકા સુધી સુધારે રહ્યા હતા.
આજે ઘટાડા છતાં સુધરનાર મુખ્ય શૅરોમાં ઇન્ફોસીસ રૂા. 12, ટાઇટન રૂા. 28, નેસ્લે રૂા. 102, બજાજ ફિનસર્વ રૂા. 27, એચયુએલ રૂા. 24, ડૉ. રેડ્ડીસ નોંધપાત્ર રૂા. 126, એસબીઆઈ રૂા. 6, ટીસીએસ રૂા. 20, ઝી રૂા. 6 અને ટેક મહિન્દ્રામાં રૂા. 7નો સુધારો નોંધાયો હતો. આજે ઘટવામાં સૌથી વધુ બજાજ ફિનસર્વ રૂા. 59, કોટક બૅન્ક રૂા. 25, એક્સિસ બૅન્ક રૂા. 9, આઈસીઆઈસીઆઈ બૅન્ક રૂા. 10, બીપીસીએલ રૂા. 6, એનટીપીસી રૂા. 2, ઇન્ડસઇન્ડ બૅન્ક રૂા. 45, કોલ ઇન્ડિયા રૂા. 2, ટિસ્કો અને જેએસડબ્લ્યુ સ્ટીલ અનુક્રમે રૂા. 8 અને રૂા. 2, એચડીએફસી રૂા. 34 અને એચડીએફસી બૅન્કમાં રૂા. 10નો ઘટાડો મુખ્ય હતો.
ટેક્નિકલી બજારમાં હવે ઉપરમાં 12183 ઉપર 12252 મુખ્ય પ્રતિકાર સપાટી ગણાય. નીચેના સપોર્ટમાં 12108 મુખ્ય ટેકાની સપાટી છે. જે તૂટતા નિફ્ટી 12008ના સ્તર સુધી ઘટી શકે છે.
ચીનમાં વાઇરસના પુન: વ્યાપથી એશિયન બજારો દબાણમાં
ચીનના હુવઈ પ્રાન્તમાં વાઇરસના વ્યાપના અહેવાલે શાંઘાઈ ખાતે ઇન્ડેક્સ 21 પૉઇન્ટ ઘટાડે હતો. એશિયામાં તેજી રુંધાતા હેંગસેંગ 94 પૉઇન્ટ અને જપાન ખાતે નિક્કી 34 પૉઇન્ટ ઘટાડે રહ્યો હતો. જોકે, અમેરિકામાં નાસ્દાક ઇન્ડેક્સ 87 પૉઇન્ટ સુધારે રહ્યો હતો.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer