વર્તમાન પાક વર્ષમાં પણ ખાંડનું ઉત્પાદન

વર્તમાન પાક વર્ષમાં પણ ખાંડનું ઉત્પાદન
જળવાઈ રહેવાની સંભાવના : ઇસ્મા 
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 13 : દેશમાં પહેલી ઓક્ટોબર 2019થી શરૂ થયેલી નવી ખાંડ ઉત્પાદન સિઝનમાં દેશમાં 260 લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાનો અંદાજ છે. આ અંદાજમાં હવે મોટો ફેરફાર થવાની સંભાવના નથી. ગત સિઝનમાં આ ઉત્પાદન 331.61 લાખ ટન હતું. એવું કહેવું છે ઇન્ડિયન સુગર મિલ્સ ઍસોસિયેશન (ઇસ્મા)નું. અલબત ઇસ્માએ જુલાઇ 2019માં જારી પોતાના આરંભિક અંદાજમાં આ ઉત્પાદન 262 લાખ ટન અંદાજ્યું હતું. 
ઇસ્માના પ્રમુખ વિવેક પિત્તીએ દુબઇમાં યોજાયેલી એક માટિંગમાં જણાવ્યું કે ઇસ્માની બેઠક 25 ફેબ્રુઆરીના રોજ થશે. તમે મને પૂછ્યું તો હું જણાવીશ કે મને ખાંડના ઉત્પાદન અંદાજમાં કોઇ મોટો ફેરફાર દેખાઇ રહ્યો નથી. દેશમાં વર્ષ 2018માં દુષ્કાળ અને વર્ષ 2019માં પૂરના લીધે શેરડીના પાકને મોટું નુકસાન થયું છે જેના લીધે તેની ઉપલબ્ધતા ઘટી છે. ઇસ્માનું માનવું છે કે દેશમાં ખાંડનું ઉત્પાદન વર્ષ 2019-20માં 21.6 ટકા ઘટીને 260 લાખ ટન થશે જે  ત્રણ વર્ષનું સૌથી ઓછું છે.
ઇસ્માના મતે મહારાષ્ટ્રમાં 62 લાખ ટન ખાંડનું ઉત્પાદન થશે જે સંશોધિત કરીને 65 લાખ ટન કરી શકાય છે. શેરડીનું ઉત્પાદન પણ આઠ લાખ ટન થવાની ધારણા છે જે ઇથેનોલમાં વપરાશે. ગત વર્ષે કરતાં તે પાંચ લાખ ટન વધ્યું છે.  
નોંધનીય છે કે ઇસ્માએ પોતાના ગત અદાંજમાં કહ્યું હતું કે નવી સિઝનમાં ખાંડનું ઉત્પાદનનો આ અંદાજ વર્ષ 2019-20માં શેરડીના ઉત્પાદન અંદાજના આધારે મુકાયો છે. ઇસ્મા દ્વારા ઓક્ટોબરમાં લીધેલી સેટેલાઇટ ઇમેજના મતે દેશમાં શેરડીનું વાવેતર 48.31 લાખ હેક્ટરમાં થયું છે જે વર્ષ 2018-19ના 55.02 લાખ હેક્ટરની તુલનામાં 12 ટકા ઓછું છે. ઇસ્માના મતે ખાંડના ઉત્પાદનમાં ઘટાડાનું કારણ મહારાષ્ટ્ર તેમ જ કર્ણાટકમાં અનેક કારણોસર ઉત્પાદનમાં ઘટાડો થયો છે. આ બંને રાજ્યો દેશમાં કુલ ઉત્પન્ન થનાર ખાંડમાં 35-40 ટકા યોગદાન આપે છે.    ઇસ્માના મતે ઉત્તર પ્રદેશમાં સિઝન વર્ષ 2019-20માં ખાંડનું ઉત્પાદન લગભગ 120 લાખ ટન થવાનો અંદાજ મૂક્યો છે જ્યારે વર્ષ 2018-19માં  આ ઉત્પાદન 118.21 લાખ ટન હતું. 
મહારાષ્ટ્રમાં શેરડીનું ઉત્પાદન ઘટવાથી ખાંડનું ઉત્પાદન ચાલુ વર્ષે ગત વર્ષની તુલનામાં 40 ટકા ઘટીને 62 લાખ ટન રહેવાનો અંદાજ મૂક્યો છે જ્યારે વર્ષ 2018-19માં તે 107.20 લાખ ટન હતું. કર્ણાટકમાં પણ ખાંડનું ઉત્પાદન ચાલુ સિઝનમાં 32 લાખ ટન રહેવાની ધારણા મુકાઇ છે. 
આ ઉત્પાદન વિતેલી સિઝનમાં 44.30 લાખ ટન હતું. દેશના અન્ય શેરડી ઉત્પાદક રાજ્યોમાં મોટા પરિવર્તનની સંભાવના નથી તેમ જ આ રાજ્યોમાં સંયુક્ત રીતે ખાંડનું ઉત્પાદન 54.5 લાખ ટન રહેવાનો અંદાજ છે જે ગત સિઝનની સમકક્ષ છે. 1 ઓક્ટોબર 2019ના રોજ ખાંડનો ઓપાનિંગ સ્ટોક ત્યાર સુધીના સર્વાધિક લગભગ 145.81 લાખ ટન રહ્યો હતો. ગત વર્ષે પિલાણ સિઝનની આરંભમાં ઓપાનિંગ સ્ટોક 107 લાખ ટન હતો.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer