પશ્ચિમના દેશોની તૈયાર વત્રોની માગ ભારત તરફ વળવાની શક્યતા વધી

પશ્ચિમના દેશોની તૈયાર વત્રોની માગ ભારત તરફ વળવાની શક્યતા વધી
ટેક્સ્ટાઇલ્સ, કાપડ, ક્લોધિંગની નિકાસ આ વર્ષે 20થી 30 ટકા વધશે : સીટી
મુંબઈ, તા. 13 : પશ્ચિમના દેશોના ગ્રાહકો આગામી સિઝનના પુરવઠા માટે ગાર્મેન્ટ નિકાસકારો જોડે ચર્ચા કરવા આ વેળા ચીનને બદલે ભારત સહિતના અન્ય દેશો તરફ વળી રહ્યા છે. ચીનમાં કોરોનાનો ઉપદ્રવ હોવાથી તેમણે ચીનની ટ્રીપ કૅન્સલ કરી છે.
ધી કન્ફીડરેશન અૉફ ઇન્ડિયન ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી (સીટી)ના ચૅરમૅન ટી. રાજકુમારે જણાવ્યું હતું કે ચાઈનીસ વાઇરસના કારણે આ વર્ષે ભારતની ફિનિશ્ડ ટેક્સટાઇલ ગુડ્સ, કાપડ, એપરલની નિકાસ ઓછામાં ઓછી 20થી 30 ટકા વધવાની શક્યતા છે.
આ નિકાસ પૂછપરછને અૉર્ડરમાં ફેરવવા આડે ઘણી મુશ્કેલીઓ છે. બાંગ્લાદેશ, વિયેટનામ, કમ્બોડિયા અને અન્ય હરીફોની સરખામણીએ ભારતીય ઉત્પાદનના ભાવ 10થી 15 ટકા ઊંચા છે. આ ઉપરાંત ચીનથી એસેસરીઝની આયાત બંધ છે. કોરોનાના કારણે ચીનની ફેકટરીઓ બંધ છે. આથી ચીનની ટેક્સ્ટાઇલ્સની અને કાચી સામગ્રીની નિકાસ ખોરવાઈ ગઈ છે.
મોટા ભાગના આપણા હરીફ દેશો ટેક્સ્ટાઇલ્સ માટેની કાચી સામગ્રીની આયાત માટે ચીન પર વધુ પડતો આધાર રાખે છે. આથી જો ભારત સરકાર જલદી જાગે અને અમુક કરલાભો આપે તો હજી ભારતની નિકાસ માટે ઝડપી વધારાની શક્યતા છે.
બીજીબાજુ મર્ચન્ડાઇઝ એક્સપોર્ટસ ફ્રોમ ઇન્ડિયા (એમઈઆઈએસ) સ્કીમ હેઠળના 4 ટકા ઇન્સેન્ટીવ તા. 7 માર્ચ 2019થી નાબૂદ કરાયા છે. મેઇડઅપ્સ અને ગાર્મેન્ટ્સના નિકાસકારોને તા. 31 જુલાઈ 2019 સુધીની નિકાસ સામે અપાયેલા 4 ટકા ઇન્સેન્ટીવ પાછા લેવાઈ રહ્યા છે. વળી અગાઉની આરઓએસએલ સ્કીમ તા. 7 માર્ચ 2019થી બંધ કરાઈ છે પણ તે હેઠળના જૂના દાવાની રકમ હજી ચૂકવાઈ નથી.
ધી ક્લોધિંગ મેન્યુફેકચરર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (સીએમએઆઈ)ના ચીફ મેન્ટર રાહુલ મહેતાએ જણાવ્યું છે કે આપણું વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રકચર અને ભાવ જોતાં આવી પૂછપરછોનો લાભ લઈ શકાશે નહીં, વળી ભારતીય ઉત્પાદકો એસેસરીઝ ચીનથી મગાવે છે પણ ચાઇનીસ નવા વર્ષ બાદ ત્યાં હજી ડિલીવરી શરૂ થઈ નથી અને ચીનના બધા એકમો બંધ પડયા છે.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer