હાજી અલી દરગાહનું સુશોભીકરણ કરાશે

મુંબઈ, તા. 13 : ધાર્મિક પર્યટન માટે પ્રસિદ્ધ એવા મુંબઈની હાજી અલી દરગાહનું સ્વરૂપ હવે બદલાશે. એના નૂતનીકરણ અને સુશોભીકરણનું કાર્ય ટૂંક સમયમાં શરૂ કરી શકાય એ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ વત્રોદ્યોગ, મત્સ્ય વ્યવસાય અને બંદર વિકાસ પ્રધાન અને મુંબઈના પાલક પ્રધાન અસ્લમ શેખે બુધવારે મંત્રાલય ખાતે યોજાયેલી બેઠકમાં આપ્યો હતો. 
આ બેઠકમાં દરગાહના નૂતનીકરણ અને સુશોભીકરણ અંગેનું પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયું હતું. આ સમયે મુંબઈ મહાપાલિકાના કમિશનર પ્રવીણ પરદેશી, મુંબઈ શહેરના કલેક્ટર રાજીવ નિવતકર, જોઈન્ટ પોલીસ કમિશનર નવલ બજાજ, મુંબઈ મેરિટાઈમ બૉર્ડના સીઈઓ ડૉ. રામસ્વામી એન., હાજી અલી દરગાહના ટ્રસ્ટી મસુદ હસમદાદા, રિઝવાન મર્ચન્ટ, સુહેલ ખાંડવાની, જફર શેખ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. 
હાજી અલી દરગાહ ખાતે રોજ દેશ-વિદેશના ભાવિકો-પર્યટકો મોટી સંખ્યામાં આવતા હોય છે. એટલેઆ પરિસરનું નૂતનીકરણ અને સુશોભીકરણ કરવું જરૂરી છે. એ અંગેની તમામ પરવાનગી તાત્કાલિક લેવામાં આવે અને શોભીકરણ આડે આવતા અનધિકૃત બાંધકામો હટાવવાની કાર્યવાહી તુરંત કરવાનો આદેશ અસ્લમ શેખે અધિકારીઓને આપ્યો હતો.
નવા પ્લાન મુજબ દરગાહના મુખ્ય રસ્તા પર પર્યટકોને આકર્ષવા ભવ્ય પ્રવેશદ્વાર બનાવાશે. ઉપરાંત વિવિધ ફૂલોના છોડ ધરાવતા મુગલ ગાર્ડન બનાવાશે. ગાર્ડનમાં પ્રાચીન કાળની યાદ અપાવતા બાકડા અને લાઈટની વ્યવસ્થા કરાશે. પર્યટકો માટે વિઝિટર પ્લાઝા બનાવવાની સાથે દરગાહ સુધી જતા રસ્તાનું નૂતનીકરણ કરાશે.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer