નવી મુંબઈમાં ભાજપના પાંચ નગરસેવક પક્ષને રામ રામ કરશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : નવી મુંબઈ પાલિકાની ચૂંટણી નિકટ છે ત્યારે ભાજપને અને તેના નેતા ગણેશ નાઇકના જૂથને મોટો આંચકો લાગે એવી સંભાવના છે. તેનું કારણ એ છે કે બદલાયેલા રાજકીય સંજોગોને પગલે ભાજપના પાંચ નગરસેવકોએ રાજીનામાં આપવાનો નિર્ણય લીધો છે.
તુર્ભેના નગરસેવક સુરેશ કુલકર્ણી અને તેમના ચાર સાથી નગરસેવકોએ શિવસેનામાં સામેલ થવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેથી ગણેશ નાઇકના વર્ચસને આંચકો લાગે એવા સંજોગો ઊભા થયા છે.
રાષ્ટ્રવાદીના મહત્ત્વના નેતા ગણેશ નાઇકે વિધાનસભાની ગત ચૂંટણી પહેલાં પાલિકામાંના પોતાના બધા સમર્થક નગરસેવકો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. નવી મુંબઈ પાલિકામાં દાયકા કરતાં પણ વધારે સમયથી ગણેશ નાઇક જૂથ વર્ચસ ધરાવે છે. નાઇક પોતાના સમર્થક બધા નગરસેવકો સાથે ભાજપમાં સામેલ થયા હતા. તેના કારણે પહેલાથી જ ભાજપમાં સામેલ થયેલા નગરસેવકોમાં અસંતોષની લાગણી પ્રવર્તતી હતી. તેઓમાં પોતાની અવગણના થતી હોવાની લાગણી પ્રવર્તતી હતી.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer