કેન્દ્રીય કૅબિનેટમાં મેજર પોર્ટસ અૉથોરિટી બિલ મંજૂર

દેશનાં 12 મોટા બંદરનાં સંચાલનમાં થશે ફેરફાર : વિવાદથી વિશ્વાસ ખરડાનો દાયરો વધારવા મંજૂરી
નવી દિલ્હી, તા. 13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશનાં 12 મુખ્ય બંદરનાં સંચાલન માટે મેજર પોર્ટસ ઓથોરિટી બિલને મંજૂરી આપી છે. જેથી હવે 1963 એક્ટને હટાવવામાં આવશે અને નવા બિલ હેઠળ 12 બંદરને સંચાલિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને મનસુખ માંડવિયાએ કેન્દ્રીય કેબિનેટમાં લેવામાં આવેલા નિર્ણયો જારી કર્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રત્યક્ષ કર વિવાદથી વિશ્વાસ વિધેયક, 2020માં બદલાવને મંજૂરી મળી છે.
વિવાદથી વિશ્વાસ વિધેયકમાં બદલાવનો હેતુ વિધેયકનો દાયરો વધારીને ડીઆરટી સહિતના વિભાગમાં ચાલી રહેલા 9 લાખ કરોડ રૂપિયાના મુકદ્દમા સામેલ કરવાનો છે. વિવાદથી વિશ્વાસ યોજના હેઠળ 31 માર્ચ સુધીમાં મુકદ્દમા નિપટાવવામાં આવતા દંડની રકમથી મુક્તિની જોગવાઈ છે.  પ્રત્યક્ષ કર સંબંધિત કાયદાકીય વિવાદમાં કમી લાવવા માટે મહિનાની શરૂઆતમાં લોકસભામાં ખરડો રજૂ થયો હતો. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નેશનલ ઈન્શ્યોરન્સ કંપની લિ., ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ કંપની અને યૂનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીમાં 2500 કરોડ રૂપિયાની મૂડી ઉમેરવાનો નિર્ણય થયો હતો. જ્યારે કીટનાશક પ્રબંધન વિધેયક 2020ના મુસદ્દાને પણ બહાલ કરવામાં આવ્યો હતો. જેમાં કીટનાશકના સુરક્ષિત અને પ્રભાવી ઉપયોગ સુનિશ્ચિત કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે. 
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer