મુંબ્રામાં ત્રણ પ્રવાસી પડયા બાદ મધ્ય રેલવેનો નિર્ણય

લોકલ ટ્રેનમાંથી નીચે પડતાં પ્રવાસીઓનો અભ્યાસ કરવા સીસીટીવી કૅમેરા બેસાડાશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલી લોકલમાંથી પારસિક ટનલ પરિસરમાં પ્રવાસીઓના પડવાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મુંબ્રા અને કલવા પરિસરમાં રેલવે સુરક્ષા બળે રેલવેના પાટા પાસે સીસીટીવી બેસાડયા છે. જેથી આ પ્રકારની દુર્ઘટનાઓ રોકવા માટે ઉપાય શોધવામાં મદદરૂપ થશે, તેવું મધ્ય રેલવેનું માનવું છે. 
કલવા-ખારેગાંવ ફાટક પાસે પાંચ ફેબ્રુઆરીએ ત્રણ જણ લોકલમાંથી પડી ગયા હતા અને તેમાંથી એકનું મૃત્યુ થયું હતું. આ પરિસરમાં પારસિક ટનલ ઓળંગ્યા બાદ પ્રવાસીઓ ગાડીમાંથી પડી ગયા હોય તેવી ઘટના બહુ બને છે. એટલે મુંબ્રા અને કલવા પરિસરમાં સીસીટીવી બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી લોકલમાંથી પડીને થતાં અકસ્માતોનો અભ્યાસ કરવામાં મદદ થશે. અકસ્માતનો અભ્યાસ કરવા માટે સીસીટીવી વપરાતા હોય તેવું રેલવે દળ પ્રથમ વાર કરી રહ્યું છે. 
મુંબ્રા અને કલવાના એક કિમીના અંતરમાં તાજેતરમાં દસ અકસ્માત થયા છે. તેમાં પણ મોટાભાગના અકસ્માત ધીમા અપ માર્ગ પર સીએસએમટીની દીશામાં જતી લોકલમાં સવારે પીક અર્વસમાં થયા છે. એટલે આ ભાગમાં લોકલની ગતિ ધીમી કરવાનો પણ આદેશ આપ્યો છે. 
લોકલમાંથી પડી જવાથી થતાં અકસ્માત પર અંકુશ મૂકવા માટે રેલવે પ્રશાસને પશ્ચિમ રેલવેમાં દરવાજા આપોઆપ બંધ થઈ જાય તેવો પ્રયોગ કર્યો હતો, પરંતુ તેને અપેક્ષિત પ્રતિસાદ મળ્યો નહીં. એટલે રેલવે બોર્ડે અૉટોમેટિક ડૉરની એસી લોકલ ખરીદવાનો નિર્ણય લીધો, પણ એસી લોકલનું ભાડું પ્રથમ શ્રેણી કરતાં દોઢ ગણું હોવાથી પ્રવાસીઓ તેનો વિરોધ કરે છે. 
લોકલમાંથી પડી જવાથી વર્ષ 2018માં 711 જણનું અને 2019માં 611 જણનું મૃત્યુ થયું હતું, તેમાં કુર્લા રેલવે પોલીસની હદમાં 73, ડોમ્બિવલી રેલવે પોલીસની હદમાં 44 અને થાણે રેલવે પોલીસની હદમાં 45 તેમ જ વાશી રેલવે પોલીસની હદમાં 64 જણનું મૃત્યુ થયું હતું. 
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer