ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પૂર્વે ઝૂંપડાઓને દીવાલ પાછળ છુપાવવાનો પ્રયાસ!

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.13 : ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદની મુલાકાત લેવાના છે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ આ દરમિયાન સાચી તસવીર મહેમાન સમક્ષ ન આવે તે માટે તેને ભરપૂર ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટ્રમ્પનો કાફલો ઍરપોર્ટ પાસેથી પસાર થશે ત્યારે આ રોડ પર આવેલા સરણિયાવાસના ઝૂંપડાઓને દીવાલ પાછળ છૂપાવવાનો પ્રયાસ કરાયો છે. રાતો-રાત આ ઝૂંપડાઓની સામે દીવાલ ચણી દેવામાં આવી છે. આમ તો કોઇપણ બાંધકામ માટે મનપાના આંટાફેરા મારવા પડે પણ હકીકતને છુપાવવા માટે અહીં રાતો-રાત દીવાલ ઊભી કરી દેવામાં આવી છે!
ઉલ્લેખનીય છે કે, ઇન્દિરા બ્રિજ નજીક એક સરણિયાવાસ આવેલ છે જેમાં લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે જ્યાં પીવાના પાણી માટે લાઇન નથી અને ડ્રેનેજ માટેની પણ લાઇન નથી. કાચા ઝૂંપડામાં રહેતા લોકોની હકીકત છુપાવવા માટે અહીં 8 ફૂટની દીવાલ બનાવવામાં આવી છે. જેથી દીવાલની પાછળની હકીકત ડોનાલ્ડ ટ્રમ્પની સામે ના આવે. અગાઉ પણ જ્યારે કોઈ વીવીઆઇપી અહીંથી પસાર થવાના હોય ત્યારે અહીંયા ખાસ લીલા પડદા લગાવીને હકીકત છુપાવવાના પ્રયાસ કરાતો હતો ત્યારે હવે અહીંયા 8 ફૂટની દીવાલ ઊભી કરતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer