પોલીસ કમિશનરનો સગાંવાદ, ગૃહપ્રધાને મળવા બોલાવ્યા

પોલીસ કમિશનરનો સગાંવાદ, ગૃહપ્રધાને મળવા બોલાવ્યા
સંજય બર્વેએ પોલીસ રેકર્ડ્સના ડિજિટાઇઝેશનનો કૉન્ટ્રેક્ટ પત્ની અને દીકરાની કંપનીને આપ્યો છે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : શહેર પોલીસના સત્તાવાર રેકર્ડ્સના ડિજિટાઇઝેશનનો કોન્ટ્રેક્ટ મુંબઈના પોલીસ કમિશનર સંજય બર્વેનાં પત્ની અને પુત્રની માલિકીની કંપનીને અગાઉની ફડણવીસ સરકારે આપ્યો હોવાનું બહાર આવ્યા બાદ આજે રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે રાજ્યના પોલીસ વડા સુબોધ જયસ્વાલ પાસેથી અહેવાલ માગવા સાથે જ આ પ્રોજેક્ટની સઘળી વિગતો મગાવીને બર્વેને મળવા માટે બોલાવ્યા છે. જોકે આ સંબંધે બર્વેએ ગઇ કાલે સ્પષ્ટતા કરી હતી કે કંપનીએ નિ:શુલ્ક સેવા આપવાની ઓફર કરી હોવાથી આ કોન્ટ્રેક્ટમાં કોઇ આર્થિક લાભનો પ્રશ્ન જ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે બર્વે પખવાડિયામાં નિવૃત્ત થવાના છે અને નાગરિક સેવા નિયમોના ઉલ્લંઘન બદલ તેમની સામે તપાસ પણ થઇ શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગયા અૉક્ટોબરમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી એ અગાઉ દેવેન્દ્ર ફડણવીસની સરકારે મુંબઈ શહેર પોલીસના સત્તાવાર રેકર્ડ્સના ડિજિટાઇઝેશનનો પાંચ વર્ષનો કોન્ટ્રેક્ટ ક્રિસ્પ્ક્યુ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડને આપ્યો હતો. આ કંપની બર્વેનાં પત્ની શર્મિલા અને પુત્ર સુમુખની છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સરકાર અને કંપની વચ્ચે વાટાઘાટો થઇ હતી પરંતુ કેટલાંક ટેક્નિકલ કારણોસર આ પ્રોજેક્ટ પર હજુ સુધી કામ શરૂ નથી થયું.
બર્વેએ સ્પષ્ટતા કરી હતી કે કંપનીએ સોફ્ટવેર નિ:શુલ્ક ઓફર કર્યો છે જે પોલીસ પોતાના ફાયદા માટે ઉપયોગ કરશે. આમાં કોઇ નાણાકીય ફાયદાનો પ્રશ્ન જ નથી. જો કે મૂળ પ્રશ્ન પૈસાનો નથી પરંતુ સરકારે કોઇ પણ પ્રકારની જાહેરખબર કે ટેન્ડર પ્રક્રિયા વગર જ આ કંપનીને પસંદ કરીને કોન્ટ્રેક્ટ આપવાનું નક્કી કર્યું એ છે, જે અંગે અધિકારીઓ ચિંતામાં છે.
દેશમુખે કહ્યું હતું કે ફડણવીસ સરકારે આ પ્રોજેક્ટ તેમના પરિવારને આપવાની પરવાનગી આપેલી તે વખતની સરકારના ગૃહ વિભાગના જોઇન્ટ સેક્રેટરીએ આ પરવાનગી આપતો પત્ર ઇસ્યૂ કરેલો. આને પગલે કમિશનર સંજય બર્વેનાં પત્ની શર્મિલા બર્વે અને દીકરા સુમુખ બર્વેની કંપની ક્રિસ્તે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીસ પ્રાઇવેટ લિમિટેડને આ પ્રોજેક્ટ અપાયો હતો.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer