ફાસ્ટ ટેગની રામાયણ વેપારીની કાર મુંબઈમાં હતી છતાં

ફાસ્ટ ટેગની રામાયણ વેપારીની કાર મુંબઈમાં હતી છતાં
હરિયાણા-પંજાબમાં 1650 કપાયા
મુંબઈ, તા. 13 : ટોલ નાકા પર વાહનોની કતાર અને વાહન ચાલક-માલિકોની તકલીફો ટાળવા સરકાર ફાસ્ટટેગની સિસ્ટમ લાવી છે પરંતુ કેટલાંય લોકોના ફાસ્ટટેગમાંથી પોતાનું વાહન ઘરે પડયું હોય છતાં પૈસા કપાઇ રહ્યાંની ફરિયાદો ઊઠી છે. આ એક ટેક્નિકલ મુશ્કેલી હોઇ શકે છે પરંતુ જો કોઇ શંકાસ્પદ વાહન પકડાય તો ફાસ્ટટેગના રેકર્ડના આધારે વાહન માલિક પણ મુશ્કેલીમાં આવી શકે છે.
મુંબઈમાં ડાયાબિટીસના દરદીઓને નિ:શુલ્ક પનીરના ફુલ આપતા અને દર રવિવારે રેલવેની બાબુ જગજીવનરામ હૉસ્પિટલના દરદીઓ અને તેમના સગાઓને સ્વયં સોશિયલ ગ્રુપના બેનર હેઠળ નાસ્તાનું વિતરણ કરતા સેવાભાવી વેપારી અતુલ પરમારે `જન્મભૂમિ'ને આ સંબંધે પોતાની આપવીતી કહી હતી.
તારદેવમાં જિન્સનું કાપડ અને ડિઝાઇનર જિન્સ બનાવવાનો વ્યવસાય કરતા પરમાર હાલમાં ચિત્રકૂટ ગયા છે અને ત્યાંથી તેમણે ફોન પર માહિતી આપી હતી કે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં હું મુંબઈમાં હતો ત્યારે અચાનક મને મોબાઇલ પર ધડાધડ મેસેજ મળવા લાગ્યા હતા, જેમાં મને નિયમ પ્રમાણે જાણ કરાઇ હતી કે મારી કાર ત્રણ દિવસમાં પંજાબ-હરિયાણામાં આવેલા લાડોવાલ, ઘાઘ્ઘર અને પાણીપતના ટોલ નાકા પરથી પસાર થઇ હતી અને મારા ફાસ્ટટેગમાંથી ધડાધડ 1,650 રૂપિયા કાપી લેવાયા હતા. મારી કાર હું મહારાષ્ટ્રની બહાર ભાગ્યે જ લઇ જાઉં છું. 
આવા મેસેજ મળ્યા બાદ મેં મારું ફાસ્ટટેગ એકાઉન્ટ છે એ પેટીએમમાં જાણ કરી હતી. ત્યાંથી મને કહેવાયું હતું કે તમારો કેસ સાચો છે અને 15 દિવસમાં તમને રકમ પરત મળી જશે. મારી ચિંતા એ વાતની છે કે મારી કાર બહાર ગઇ નથી છતાં મારા ફાસ્ટટેગમાંથી પૈસા શા માટે અને કેવી રીતે કપાયા. ભવિષ્યમાં કદાચ કોઇ શંક્સ્પદ કાર પકડાય અને એમાં કોઇ આડાઅવળા માણસો પકડાય અને ફાસ્ટટેગના આધારે આપણે મુશ્કેલીમાં આવી જઇએ એવું પણ બની શકે છે.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer