અંધેરીની કમર્શિયલ બિલ્ડિંગમાં આગનું તાંડવ

અંધેરીની કમર્શિયલ બિલ્ડિંગમાં આગનું તાંડવ
બીજે માળે લાગેલી આગ આખી ઈમારતમાં પ્રસરી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : અંધેરી પૂર્વમાં આવેલી ત્રણ માળની કમર્શિયલ બિલ્ડિંગમાં ગુરુવારે લાગેલી ભિષણ આગ બુઝાવતાં અગ્નિશમન દળના જવાનોને નાકે દમ આવી ગયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ દુર્ઘટનામાં ત્રણ જણ જખમી થયા હતા અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. 
મરોલ એમઆઈડીસી વિસ્તારમાં રૉલ્ટા ટૅક્નોલોજી પાર્કમાં આવેલી સૉફ્ટવેર કંપની રૉલ્ટાની ત્રણ માળની ઈમારતમાં બપોરે 11.30 વાગ્યાની આસપાસ બીજા માળે લેવલ ચારની આગ લાગી હતી. આગ ભિષણ હોવાથી અગ્નિશમન દળની કુલ 25 ગાડી ઘટનાસ્થળે ધસી ગઈ હતી. 
પાંચ કલાકની મહામહેનત બાદ છેક સાંજે પાંચ વાગ્યાની આસપાસ આગ બુઝાવવામાં અગ્નિશમન દળના જવાનોને સફળતા મળી હતી. ભિષણ આગને કાબુમાં લાવવા 12 ફાયર એન્જિન અને પાણીના 13 જમ્બો ટેન્કર કામે લાગી ગયા હતા. પાલિકાના અધિકારીએ આપેલી માહિતિ મુજબ, શરૂઆતમાં બિલ્ડિંગના સર્વર રૂમમાં આગ લાગી હતી. જે બાદમાં ધીમેધીમે આખી બિલ્ડિંગમાં પ્રસરી હતી. અગ્નિશમન દળના ચીફ અૉફિસર પ્રભાત રહાંગડલેએ જણાવ્યું હતું કે, આખી બિલ્ડિંગની બહાર કાચનું ફેસેડ હતું. તેમજ હવાની અવરજવર માટે વેન્ટિલેશન ન હોવાથી ધુમાડો બહાર જઈ શકતો ન હતો. તેને લીધે અગ્નિશમન દળના જવાનોને આગ બુઝાવવામાં બહુ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ધુમાડો હોવાથી તેઓ અંદર જઈ શકતા નહોતા એટલે સમય પણ વધુ લાગ્યો હતો. શ્વાસોશ્વાસ માટેના ઉપકરણો પહેરીને અને વિશેષ સાધનોનો ઉપયોગ કરીને અગ્નિશમન દળના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. 
આ દુર્ઘટનામાં એક મહિલા સહિત ત્રણ જણ જખમી થયા હતા અને તેમને ઈએસઆઈસી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આગ લાગવાનું ચોકક્સ કારણ જાણી શકાયું નથી. વધુ તપાસ ચાલુ છે.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer