રાંધણ ગૅસ ભાવવધારાનો વિરોધ

રાંધણ ગૅસ ભાવવધારાનો વિરોધ
રાહુલે સ્મૃતિનો જૂનો ફોટો ટ્વીટ કર્યો
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 13 : કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીની એક જૂની તસવીર ટ્વીટ કરીને રાંધણ ગૅસના ભાવમાં 4 જાન્યુઆરી, 2014 પછીના ધરખમ વધારાના મુદ્દે શાસક ભાજપ પર પ્રહાર કર્યા હતા.
`હું ભાજપના આ સભ્યો સાથે સહમત થાઉં છું કારણ કે તેમણે એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂપિયા 150ના ધરખમ વધારાનો વિરોધ કર્યો હતો એમ કૉંગ્રેસના નેતાએ ટ્વીટ કરતાં સ્મૃતિ ઈરાનીનો એક જૂનો ફોટો શૅર કર્યો હતો જેમાં સ્મૃતિ ઈરાની એલપીજી સિલિન્ડરના ભાવવધારા માટે કૉંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર સામે વિરોધ કરતાં નજરે પડી રહ્યાં છે.
સ્મૃતિ ઈરાનીની જે તસવીર રાહુલ ગાંધીએ ટ્વીટ કરી છે તે જૂન 2011ની છે જેમાં તેઓ રાંધણ ગૅસના ભાવમાં રૂપિયા 50ના કરાયેલા વધારા માટે મનમોહન સિંઘ સરકાર સામે ભાજપના કાર્યકરો સાથે વિરોધ કરતાં નજરે પડે છે. નોંધનીય છે કે સ્મૃતિ ઈરાનીએ ગયા વર્ષે લોકસભાની ચૂંટણીમાં અમેઠીની બેઠક પરથી રાહુલ ગાંધીને હરાવ્યા હતા.
દરમિયાન કૉંગ્રેસના કાર્યકરોએ ગુરુવારે એલપીજી સિલિન્ડરના ભાવવધારા સામે પેટ્રોલિયમપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યાલયની બહાર દેખાવો કર્યા હતા અને આ ભાવવધારો તત્કાળ પાછો ખેંચવાની માગણી કરી હતી. મહિલા કૉંગ્રેસના વડા સુષ્મિતા દેવ સેંકડો કાર્યકરો સાથે પ્રધાનને મળવા ગયાં હતાં. પ્રધાનને મળવા નહીં દેવાતાં તેઓ શાત્રી ભવનની બહાર ધરણાં પર બેસી ગયાં હતાં. તેમણે વિવિધ શહેરોનાં એલપીજી સિલિન્ડરના ભાવ સાથેના પ્લેકાર્ડ પણ દાખવ્યાં હતાં.
કાર્યકરોને સંબોધતાં દેવે જણાવ્યું હતું કે અૉગસ્ટ 2019 બાદ એલપીજી સિલિન્ડરના ભાવમાં છ વખત વધારો કરવામાં આવ્યો છે. આમાં સરકારની અસંવેદનશીલતા દેખાઈ રહી છે. ભાજપ પર પ્રહાર કરતાં સુષ્મિતા દેવે જણાવ્યું હતું કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામના 24 કલાકની અંદર આ ભાવવધારો કરાયો છે. શું આ પરાજયનો બદલો છે?
બે કલાક બાદ કૉંગ્રેસના આ પ્રતિનિધિમંડળને આવેદનપત્ર સુપરત કરવા પ્રધાનના કાર્યાલયમાં જવાની છૂટ આપવામાં આવી હતી.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer