સરદારને પોતાની કૅબિનેટમાં નહોતા લેવા માગતા નહેરુ ?

સરદારને પોતાની કૅબિનેટમાં નહોતા લેવા માગતા નહેરુ ?
વિદેશપ્રધાને એક પુસ્તકના આધારે કરેલા ટ્વીટથી વિવાદ : કૉંગ્રેસે દાવા ફગાવતા પત્રો જાહેર કર્યા
નવી દિલ્હી,તા. 13 : ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને લઇને વિદેશમંત્રી એસ. જયશંકરે વિવાદાસ્પદ ટ્વિટ કર્યું હતું કે નહેરુ 1947માં પોતાની કેબિનેટમાં સરદાર પટેલને સામેલ કરવા માગતા ન હતા અને કેબિનેટની પહેલી સૂચિમાંથી સરદાર પટેલને બહાર કરી દેવામાં આવ્યાં હતાં. જયશંકરે એક પુસ્તકને આધારે ટ્વિટ કર્યું હતું અને ત્યારપછી નહેરુ અને સરદાર મુદ્દે શાસક વિપક્ષ વચ્ચે દલીલો છેડાઈ હતી.
વાસ્તવમાં ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનારા વી.પી. મેનનના જીવન ઉપર લેખિકા નારાયણી બસુએ લખેલાં પુસ્તક `વી.પી. મેનન'નું વિદેશમંત્રી જયશંકરે વિમોચન કર્યું હતું અને ત્યારપછી ટિવટ કરીને તેમણે નહેરુ સરદારને પોતાની કેબિનેટમાં સામેલ ન કરવા માગતા હોવાની વાત કહી હતી. જયશંકરે ત્યારબાદ ટિવટ કરીને લખ્યું હતું કે, આ મુદ્દે નિશ્ચિતપણે ચર્ચા કરવાની જરૂર છે. જયશંકરે વધુ એક ટિવટમાં વી.પી. મેનનના જ શબ્દો ટાંકીને લખ્યું હતું કે, જ્યારે સરદારનું નિધન થયું ત્યારે તેમની સ્મૃતિઓને નષ્ટ કરવાનું એક અભિયાન શરૂ થયું. મને એ ખબર હતી, કારણ કે મેં તે જોયું હતું, અને એ સમયે હું મારી જાતને પીડિત થયેલી અનુભવતો હતો.
જયશંકરની ઉપરાઉપરી ટિવટ બાદ કોંગ્રેસે તેમના દાવાને ખોટો ઠેરવ્યો હતો. કોંગ્રેસ નેતા જયરામ રમેશે 14 ઓગસ્ટ, 1947નાં વખતનો એક પત્ર ટિવટમાં મૂકીને લખ્યું હતું કે, સરદાર પટેલ નહેરુ પછી કેબિનેટમાં બીજા શીર્ષ સ્થાને હતા. રમેશે આવી ઘણીબધી ટિવટ કરીને કહ્યું હતું કે, નહેરુ દ્વારા સરદારને કેબિનેટમાં સામેલ ન કરવાની ખોટી વાતો સામે હું ઘણા બધા પત્રો અને કાગળો સાબિતી રૂપે રજૂ કરી રહ્યો છું. બીજી તરફ પ્રસિધ્ધ ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ જયશંકરને કહ્યું હતું કે, આ વાત ખોટી છે. પ્રોફેસર શ્રીનાથ રાઘવને તેમના લેખમાં આ દાવાને ખોટો ઠરાવ્યો છે. વિદેશમંત્રીએ ખોટી વાતનો પ્રચાર કરવાને બદલે તેને ભાજપના આઈટી સેલ માટે છોડી દેવો જોઇએ. સામે જયશંકરે સૌને વી.પી. મેનન પુસ્તક વાંચવા પર ભાર આપ્યો હતો.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer