ગુનેગાર ઉમેદવારોની વિગતો વેબસાઈટ પર મૂકવા પક્ષોને નિર્દેશ

ગુનેગાર ઉમેદવારોની વિગતો વેબસાઈટ પર મૂકવા પક્ષોને નિર્દેશ
સુપ્રીમ કોર્ટની લાલ આંખ
નવી દિલ્હી, તા.13: દેશનાં રાજકારણને અપરાધીકરણની નાગચૂડમાંથી મુક્તિ અપાવવા માટે દંડો ઉગામતા આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ  આપ્યો હતો. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીનાં મેદાનમાં ઉતારવામાં આવતાં ઉમેદવારોનાં ગુનાઈત ભૂતકાળની જાણકારી પોતપોતાની વેબસાઈટો ઉપર સાર્વજનિક કરવી પડશે અને જે કોઈ આ આદેશનું પાલન નહીં કરે તેની સામે અદાલતનાં અનાદરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ સુપ્રીમ કોર્ટે આપી હતી.
સપ્ટેમ્બર 2018માં રાજકારણનાં અપરાધીકરણનાં મામલામાં અદાલત દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું રાજકીય પક્ષો દ્વારા પાલન ન થતાં સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અદાલતની અવહેલનાની અરજીની સુનાવણીમાં આજે આ આદેશ આપવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે, સ્વચ્છ છબિ ધરાવતા ઉમેદવારને બદલે ગુનેગાર ઉમેદવારને શા માટે પસંદ કરવામાં આવ્યા તેનું કારણ પણ પક્ષોએ આપવું પડશે. માત્ર ઉમેદવારની ચૂંટણી જીતી  શકવાની ક્ષમતાનો તર્ક પણ અદાલત દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે અપરાધિક ઈતિહાસ ધરાવતા નેતા, ઉમેદવારો વિશે વિગતો સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો છે ત્યારે એક સવાલ એવો ઉભો થાય છે કે નેતાઓ, અધિકારીઓ, અપરાધીઓ વચ્ચેની સાંઠગાંઠને ધરમૂળથી ખતમ કરવાનાં પ્રયાસો કેમ થતાં નથી? પી.વી.નરસિંહા રાવની સરકારનાં ગઠિત નરિન્દર નાથ વોહરા સમિતિએ આ સાઠગાંઠ વિશે એક વિસ્ફોટ અહેવાલ સરકારને સુપરત કર્યો હતો. આ રિપોર્ટનો જે હિસ્સો સનસનીખેજ ગણાય છે તેને જાહેર કરવાની હિંમત 27 વર્ષ પછી પણ કોઈ જ સરકારે કરી નથી. 
વર્ષ 1997માં જ્યારે કેન્દ્ર સરકાર ઉપર આ અહેવાલ સાર્વજનિક કરવાનું દબાણ સર્જાયું ત્યારે સરકાર સુપ્રીમ કોર્ટનાં શરણે દોડી ગઈ હતી. અદાલતે પણ સરકારની દલીલ માની લીધી હતી. ન્યાયધીશે કહ્યું હતું કે, સરકારને રિપોર્ટ જાહેર કરવાં બાધ્ય કરી શકાય નહીં. આજે સુપ્રીમ કોર્ટ જેવી ચિંતા વ્યક્ત કરી રહી છે તેવી ચિંતા અગાઉ 2018માં પણ તેનાં તરફથી થઈ હતી. 
તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ પોતાનાં એ ફેંસલામાં 1993નાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા બાદ રચાયેલા એન.એન.વોહરા સમિતિનાં રિપોર્ટનો ઉલ્લેખ પણ કરેલો અને કહેલું કે, ભારતની રાજકીય વ્યવસ્થામાં અપરાધીકરણ કોઈ અજાણ્યો વિષય નથી. બલ્કે તેનું મોટું ઉદાહરણ તો 1993નાં ધડાકા દરમિયાન જોવા મળ્યું જેમાં ગુનેગાર ગેંગ, પોલીસ, કસ્ટમ અધિકારી અને તેનાં રાજકીય આકાઓનું નેટવર્ક ઉઘાડું પડયું હતું. વોહરા કમિટીએ પોતાનો અહેવાલ પાંચ ઓક્ટોબર 1993નાં રોજ સોંપી દીધેલો. આમાં કેટલાંક એવા અપરાધીઓનાં નામો પણ છે જે આગળ જતાં નગરસેવકો, વિધાયકો અને સાંસદો પણ બન્યા હતાં. જો 27 વર્ષ બાદ પણ આ અહેવાલ ધૂળ ખાઈ રહ્યો છે. 
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer