ગોલી મારો'' જેવાં નિવેદનોથી દિલ્હીમાં નુકસાન : અમિત શાહ

ગોલી મારો'' જેવાં નિવેદનોથી દિલ્હીમાં નુકસાન : અમિત શાહ
વિધાનસભા ચૂંટણીમાં મૂલ્યાંકન ખોટું પડયાનો સ્વીકાર કરતા ગૃહપ્રધાન
નવી દિલ્હી,તા. 13 : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કારમા પરાજય બાદ ગૃહપ્રધાન અમિત શાહે કબૂલ્યું હતું કે `ગોલી મારો' અને `ભારત-પાકિસ્તાન મૅચ' જેવાં નિવેદનોથી ભાજપના નેતાઓએ દૂર રહેવાની જરૂર હતી. અમિત શાહે કહ્યું હતું કે, પક્ષ આ પ્રકારનાં નિવેદનોથી પોતાને અલગ રાખે છે. શક્ય છે કે પક્ષના નેતાઓ દ્વારા અપાયેલાં નફરતભર્યાં નિવેદનોને કારણે ભાજપને ચૂંટણીમાં નુકસાન થયું હોય.
અમિત શાહે આગળ કહ્યું હતું કે અમે માત્ર હાર કે જીત માટે ચૂંટણી નથી લડતા. ઘણા બધા પક્ષો માટે ચૂંટણી સરકાર બનાવવા માટે કે તોડી પાડવા માટે હોય છે, પરંતુ ભાજપ એક વિચારધારા ઉપર આધારિત પક્ષ છે. આથી ચૂંટણી વિચારધારાને ફેલાવવા માટે પણ હોય છે. દિલ્હીની ચૂંટણીને લઇને મારું મૂલ્યાંકન ખોટું સાબિત થયું. સિટિઝન એમેન્ડમેન્ટ ઍક્ટ (સીએએ) સંબંધમાં તેમણે જણાવ્યું હતું કે જે કોઇને ચર્ચા કરવી હોય તો મારી અૉફિસ પાસેથી એપોઇન્ટમેન્ટ માગી શકે છે. હું ત્રણ દિવસમાં મુલાકાત આપીશ. કાશ્મીર વિશે તેમણે જણાવ્યું હતું કે ત્યાં નિયંત્રણો અને અટકાયતો વિશેના નિર્ણય સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લેવાયા છે અને કેન્દ્ર સરકારની તેમાં કોઈ ભૂમિકા નથી.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ચૂંટણીપ્રચાર વખતે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે `ગોલી મારો' વાળું નિવેદન આપ્યું હતું, જ્યારે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા કપિલ મિશ્રાએ `ભારત-પાકિસ્તાન મૅચ'વાળું નિવેદન આપીને વિવાદ ઊભો કર્યો હતો. અનુરાગ ઠાકુરે રિઠાલાના ભાજપ ઉમેદવાર મનીષ ચૌધરીનાં સમર્થનમાં જનસભામાં `દેશ કે ગદ્દારો કો ગોલી મારો...'નું ભડકાઉ નિવેદન આપ્યા બાદ ચૂંટણી પંચે અનુરાગ ઠાકુરને નોટિસ મોકલીને તેમની પાસેથી જવાબ માગ્યો હતો. જ્યારે મોડલ ટાઉનથી ભાજપના ઉમેદવાર રહેલા કપિલ મિશ્રાએ લખ્યું હતું કે 8 ફેબ્રુઆરીએ દિલ્હીના રસ્તાઓ પર હિન્દુસ્તાન અને પાકિસ્તાનની મૅચ થશે. કપિલ મિશ્રાના આ વિવાદાસ્પદ નિવેદન ઉપર તેમના પર પણ ચૂંટણી પંચે લાલ આંખ કરી હતી.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 70 બેઠકોમાંથી 62 બેઠકો જીતીને આપે ઇતિહાસ સજર્યો હતો. જ્યારે ભાજપને માત્ર 8 બેઠકોથી સંતોષ માનવો પડયો હતો. કૉંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer