રેલવેના ચાર પુલોનું વજન ઘટાડાશે

મુંબઈ, તા. 14 : પુલોનું આયુષ્ય એના પરથી પસાર થતાં વાહનોની વધતી સંખ્યા, વારંવાર રસ્તા સમથળ રાખવા ડામર અને અન્ય મિશ્રણનો થતો ઉપયોગ જેવી બાબતોને કારણે પુલનું વજન વધી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખી મુંબઈના ચાર પુલોનું વજન ઘટાડવાનો નિર્ણય મુંબઈ મહાપાલિકાએ લીધો છે. આને કારણે દરેક પુલનું વજન કમ સે કમ 200 કિલો જેટલું ઓછું થાય એવી અપેક્ષા છે. એક રીતે આ પુલો પરના ડામર કે અન્ય મિશ્રણના વધારાના થરને કાઢી નખાશે.
મલાડ, ગોરેગાવ, બોરીવલી અને કાંદિવલીના વીર સાવકર ફલાયઓવર, સુધીર ફડકે ફલાયઓવર, જનરલ કરિઅપ્પા પુલ અને રાજગુરુ પુલ (આ બધા રેલવે લાઈન પરના પુલો છે)નું વજન ઓછું કરાશે.
પરેલ ખાતે રેલવે પુલ દુર્ઘટના બાદ પુલોને મજબૂત બનાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. 2018માં અંધેરી પૂર્વ-પશ્ચિમને જોડતો પુલ તૂટી પડતાં બે જણા મૃત્યુ પામ્યાં હતાં. ગયા વરસે સીએસએમટી ખાતેનો હિમાલયા પુલ તૂટી પડતાં સાત જણ મૃત્યુ પામ્યાં હતાં. આ દુર્ઘટનાને પગલે રેલવે અને મહાપાલિકાએ તેમના ક્ષેત્રમાં આવતા પુલોનું સ્ટ્રકચરલ અૉડિટ કરી રિપેરિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
આમાંથી અમુક પુલોનું આયુષ્ય પૂરું થયું હોવાનું જણાયું હતું. અમુક પુલો અંગે અલગ જ નિષ્કર્ષ આવ્યો છે. અમુક પુલો જૂના થયા હોવાથી થોડા વરસો સુધી વિવિધ કારણોસર પુલની સપાટીને સમથળ રાખવા સતત ડામર અને અન્ય મિશ્રણનો ઉપયોગ થતો રહ્યો છે. આ મિશ્રણના થર વધતા જતા હોવાથી પુલ પર વધારાનો બોજ આવ્યો છે. પુલના વધેલા વજન અને એજ પુલ પરથી પસાર થતા વાહનોને કારણે પુલના પાયા પર એની વિપરિત અસર થવાની શક્યતા હોવાથી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. આને પગલે પુલોના વજનને ઘટાડવાનો નિર્ણય લેવાયો છે.
ભારે વજનને લઈ અગાઉ મહાલક્ષ્મીનો બ્રિજ તૂટી પડયા પછી બીજા બ્રિજો ઉપર ભારે વજન હોવાની ફરિયાદના પગલે રેલવેએ આ નિર્ણય લીધો છે.

Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer