મોટાં શહેરોમાં માસ્ક, સેનિટાઈઝર્સનો સ્ટૉક ખતમ

નવી દિલ્હી, તા. 14 : ચીનમાં કોરોના વાઈરસનો ઉપદ્રવ અન્યત્ર ફેલાવવાની બીકે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, કોલકાતા જેવા મહાનગરોમાં માસ્ક અને સેનિટાઈઝર્સ માટેની માગ વધી ગઈ છે અને ચપોચપ વેચાઈ રહ્યા છે. આ શહેરોમાંના મેડિકલ સ્ટોર્સ તેમ જ હનીવેલ મોટી કંપનીઓ અને આઈએમજી, ફાર્મઈઝી જેવા ઈ-ફાર્મસી સ્ટાર્ટઅપ્સને આગામી સમયમાં માસ્ક અને સેનિટાઈઝર્સની અછત જણાવા લાગે એમ મનાય છે.
ઓલ ફૂડ ઍન્ડ ડ્રગ લાઈસન્સ હોલ્ડર્સ ફાઉન્ડેશનના આંકડા મુજબ માસ્ક માટેનું બજાર વાર્ષિક રૂા. 200 કરોડથી વધીને બમણા કરતા વધુ એટલે કે રૂા. 450 કરોડે પહોંચ્યું હતું.
ભારતમાં અત્યારે 3-4 લાખ માસ્ક બનાવવાની ક્ષમતા છે અને 25-30 લાખ માસ્કનો સ્ટોક છે. અગાઉ મહિને 6-7 લાખ માસ્કની માગ હતી. હવે માસિક વેચાણ વધીને લગભગ 10-12 લાખ થયું છે. આ જીવલેણ વાઈરસને કારણે બે મહિનાથી ઓછા ગાળામાં 1300ના મૃત્યુ થયા છે. મહાનગરો ઉપરાંત માસ્ક માટે અમદાવાદ, હૈદરાબાદ અને જયપુરમાં પણ ઊંચી માગ છે.
ભારત, ઉત્તર અમેરિકા, યુરોપ અને ચીનમાં અમારા પ્રોટેક્ટિવ ફેસ માસ્કની માગમાં મોટો ઉછાળો નોંધાયો છે, એમ હનીવેલના પ્રવકતાએ જણાવ્યું હતું. દિલ્હીના પોશખાન માર્કેટની દુકાને નિર્વાણા બીઈંગમાં રોજના 12,000-15,000 માસ્ક  વેચાય છે.

Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer