મલબાર હિલની સોસાયટીમાં કોરોના વાઈરસના ભયથી ખળભળાટ

મલબાર હિલની સોસાયટીમાં કોરોના વાઈરસના ભયથી ખળભળાટ
મુંબઈ, તા. 14 : મલબાર હિલમાં આવેલી પારસ સોસાયટીમાં રહેતી એક વ્યક્તિને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હોવાનો ફોન પાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલને આવતા પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ ઍકશનમાં આવી ગયા હતા. પાલિકાની ટીમ તુરંત પારસ સોસાયટી પહોંચી સંબંધિત વ્યક્તિને તપાસ્યા બાદ અને કોરાના વાઈરસના લક્ષણ ન હોવાનું સર્ટિફિકેટ આપ્યું હતું. જોકે, આ બે કલાકના સમયગાળા દરમિયાન સોસાયટીમાં ખળભળાટ મચી ગયો હતો.
પાલિકાના અધિકારીએ જણાવ્યું કે સોસાયટીના ચૅરમેને સવારે 10 વાગ્યાની આસપાસ ફોન કરી જણાવ્યું કે તેમની સોસાયટીમાં ત્રીસેક વર્ષની વ્યકિત માસ્ક સાથે જોવા મળી હતી. ચેરમેને પાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલને ફોન કર્યો હતો. તેમણે વૉર્ડના મૅડિકલ અૉફિસર ડૉકટર પ્રમોદ પાટીલને તુરંત જાણ કરી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજી મૅડિકલ અૉફિસરે તુરંત તેમના સહાયકને મૅડિકલ ટીમ સાથે પારસ સોસાયટી રવાના કરી હતી.
પાલિકાની ટીમ સંબંધિત વ્યક્તિના ઘરે ગઈ અને જરૂરી ટેસ્ટ બાદ જણાવ્યું હતું કે એનામાં કોરાના વાઈરસના કોઈ લક્ષણ નથી. એ વ્યક્તિ સિંગાપોરમાં કામ કરે છે અને લગ્નપ્રસંગમાં હાજરી આપવા શ્રીલંકા ગઈ હતી. 10 ફેબ્રુઆરીએ એ વ્યક્તિ ભારત પાછી આવી હતી. એનામાં ફ્લુના કોઈ લક્ષણ જણાયા નહોતા કે ફલુ થયા બાદ લાગતી શારીરિક નબળાઈ પણ એનામાં નજરે પડી નહોતી. એમ જણાવવાની સાથે ડૉકટરે જણાવ્યું કે સિંગાપોરમાં કોરોના વાઈરસના 58 કેસ નોંધાતા એણે પાછા જવાનું મુલતવી રાખ્યું હતું.
ડૉકટર પાટીલે જણાવ્યું કે સોસાયટીના લોકોના ડર નીકળી જાય એ માટે મેં સર્ટિફિકેટ આપ્યું હતું. સર્ટિફિકેટમાં જણાવાયું છે કે સંબંધિત વ્યક્તિને તપાસ્યા બાદ એમાં કોરોના વાઈરસના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી.
સમગ્ર ઉહાપોહના કેન્દ્રમાં રહેલી વ્યક્તિએ પાલિકાની ટીમને જણાવ્યું હતું કે એનું ક્રીનિંગ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર કરવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer