`ગુડ્ડન''માં અક્ષત જિન્દાલ `ડીડીએલજે''નું પુનરાવર્તન કરશે

`ગુડ્ડન''માં અક્ષત જિન્દાલ `ડીડીએલજે''નું પુનરાવર્તન કરશે
દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે (ડીડીએલજે) ફિલ્મનું `રુક જા ઓ દિલ દિવાને' ગીત યાદ છે? આમાં છેલ્લે ડાન્સ કરતો શાહરુખ ખાન કાજોલને પડતી મૂકે છે તે દૃશ્ય કયારેય ભૂલાય એવું નથી. બસ,આ જ દૃશ્યનું પુનરાવર્તન ઝી ટીવી પરથી પ્રસારિત થતી સિરિયલ `ગુડ્ડન.. તુમસે ના હો પાએગા'માં જોવા મળશે. આ સિરિયલમાં અક્ષય જિન્દાલ ઉર્ફે એજે (નિશાંત મલ્કાની) અને ગુડ્ડન (કનિકા માન) વચ્ચે પ્રેમ-ઘૃણાનો સંબંધ જોવા મળે છે. ચાર વર્ષના જમ્પ બાદ આ પ્રેમીઓ અલગ જ લૂકમાં જોવા મળે છે.  આ સમય દરમિયાન ગુડ્ડન ફિલ્મની અભિનેત્રી બની ગઇ હોય છે અને એજે શરાબી બની જાય છે. છતાં બંને એકમેકને ખૂબ પ્રેમ કરે છે તે વાત તેમના પુનર્મિલનના ડાન્સ પર્ફોર્મન્સમાં જોવા મળે છે. અક્ષતનો પ્રેમ અને આક્રમકતા બંને ડાન્સમાં જોવા મળે છે અને ગુડ્ડન તેની અનુભૂતિ કરી શકે છે. જો કે, તે સમયે અચાનક અક્ષતને લાગે છે કે ગુડ્ડન સમક્ષ તેનો પ્રેમ છતો થઇ ગયો છે એટલે તે તેને હાથમાંથી પડતી મૂકીને ઘૃણા દર્શાવે છે. કનિકા કહે છે કે તે ક્ષણે ગુડ્ડનને પ્રતીતિ થાય છે કે તેની અને અક્ષય વચ્ચે હજુ પણ ખૂબ જ પ્રેમ છે. તેમની કેમેસ્ટ્રી અને સમજ યથાવત છે માત્ર સમયે તેમાં અંતર લાવી દીધું છે. ડાન્સ દરમિયાન બંને વચ્ચેનો રોમાન્સ દર્શકોને પણ ભાવુક કરશે.

Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer