એજીઆર સંબંધી ચુકાદા બાદ ટેલિકૉમ શૅરોમાં ઘટાડો

એજીઆર સંબંધી ચુકાદા બાદ ટેલિકૉમ શૅરોમાં ઘટાડો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : એશિયાનાં મહત્ત્વપૂર્ણ શૅરબજારોમાં સુધારા છતાં સ્થાનિક શૅરબજાર આજે બીજા દિવસે વધુ ઘટાડા સાથે બંધ રહ્યું હતું. આજે બજાર સુધારા સાથે ખૂલ્યા પછી એનએસઈ ખાતે નિફ્ટી 12247 સુધી જઇને તમામ ક્ષેત્રે મોટા પાયે વેચવાલી નીકળતાં ઘટાડો શરૂ થયો હતો. બૅન્કિંગથી લઇને રિયાલ્ટી સુધીનાં તમામ ક્ષેત્રે દબાણ હતું.
આજે બપોરે ટેલિકૉમ કંપનીઓને સુપ્રીમ કોર્ટે સ્પેકટ્રમની બાકી લાઇસન્સ ફી ચુકવણીની 17 માર્ચની અંતિમ તારીખ આગળ વધારીને નવી સમયમર્યાદા નક્કી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરવાથી બજારનું માનસ ખરડાયું હતું. આ હુકમ પછી વોડાફોન આઇડિયા 23 ટકા ઘટવા સાથે ભારતી ઇન્ફ્રાટેલ 6 ટકા દબાણે રૂા. 231 રહ્યો હતો. જેથી સમગ્ર રીતે શૅરબજારનો મૂડ બદલાવાથી એક તબક્કે નિફ્ટી 12100ની સપાટી તૂટયા પછી ટ્રેડ અંતે નિફ્ટી 61 પૉઇન્ટ દબાણે 12113.45 બંધ હતો. અઠવાડિયા દરમિયાન તેજી-મંદીના ખેલા પછી અઠવાડિક છેલ્લા સેશનમાં બજાર નકારાત્મક રહ્યું હતું. આજે નિફ્ટીના તમામ ક્ષેત્રવાર ઇન્ડેક્સ ઘટાડે હતા. આમ છતાં. કેટલાક વ્યક્તિગત શૅરમાં થોડા પ્રત્યાઘાતી સુધારે નિફ્ટીના અગ્રણી શૅરમાંથી 15 સુધરીને અને 35 શૅરના ભાવ ઘટાડે હતા.
આજની ભારે વેચવાલીનાં દબાણે એક્રોસ ધ બોર્ડ વેચાણ થવાથી ક્ષેત્રવાર રિયાલ્ટી ઇન્ડેક્સ 2 ટકા, જાહેર બૅન્કેક્સ 2 ટકા, મેટલ-રિયલ્ટી 1.5 ટકા, વાહન, એફએમસીજી અને નાણાં સેવા ઇન્ડેક્સમાં 1 ટકાનો ઘટાડો નોંધાયો છે. સ્મોલ-મિડકેપ ઇન્ડેક્સ ઘટાડે હતા. નિફ્ટી છેલ્લી ઘડીનાં વેચાણ કપાવાથી 12100ની સપાટીએ બંધ રહેવા છતાં આગામી અઠવાડિયામાં બજારમાં તીવ્ર વધઘટ છતાં કોઈ મોટા સતત સુધારાની શક્યતા થોડી ઓછી છે એમ દલાલ વર્તુળો માને છે.
આજે ચીનમાં કોરોના વાઇરસના વ્યાપ વધવાના અહેવાલ છતાં એશિયન શૅરો અને બિનલોહ ધાતુમાં મજબૂતી આવી હતી. ઉલ્લેખનીય છે કે સ્થાનિકમાં નિફ્ટીમાં ભારે વેચવાલીથી બજાર ઘટાડે રહ્યું હતું તે આજે નિફ્ટીના અગ્રણી શૅરમાં સૌથી વધુ ઘટનાર ઇન્ડસઇન્ડ બૅન્ક રૂા. 45, કોટક બૅન્ક રૂા. 7, બ્રિટાનિયા રૂા. 40, મારુતિ રૂા. 90, એક્સિસ બૅન્ક રૂા. 9, ટિસ્કો રૂા. 7, ગેઇલ અને ઓએનજીસી અનુક્રમે રૂા. 7 અને રૂા. 2, નેસ્લે રૂા. 67, એચડીએફસી બૅન્ક રૂા. 22, એચયુએલ રૂા. 29, હીરો મોટોકોર્પ રૂા. 47, એસબીઆઈ રૂા. 7, આયશર મોટર રૂા. 595 અને આઇટીસી રૂા. 4 સાથે એક્સિસ બૅન્કમાં રૂા. 11નો ઘટાડો નોંધાયો હતો. સામા પ્રવાહે સુધરનાર શૅરોમાં યસ બૅન્ક રૂા. 2, ભારતી ઍરટેલ સટ્ટાકીય રીતે રૂા. 24, બીપીસીએલ રૂા. 8, એચસીએલ ટેક રૂા. 10, આઈસીઆઈસીઆઈ બૅન્ક રૂા. 4, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂા. 12 ઘટયા હતા.
આગામી અઠવાડિયે હવે કોરોના વાઇરસની અસર સાથે સ્થાનિકમાં વિદેશી-સ્થાનિક નાણાકીય સંસ્થાઓના વલણ પર બજારની ચાલ નક્કી થવાના સંકેત છે. નિફ્ટીમાં હવે ઉપર 12183 અને 12254નુ પ્રતિકાર લેવલ મહત્ત્વપૂર્ણ છે. જ્યારે ઘટાડામાં 12109 નીચે 12000ની સપાટી અત્યંત કટોકટીપૂર્ણ બને છે.
એશિયાનાં બજારો
ચીનના કોરોના વાઇરસનો વ્યાપ વધવા છતાં, આજે શરૂઆતમાં ઘટેલાં એશિયન બજારો સુધરીને બંધ હતાં. ચીનમાં શાંઘાઈ ઇન્ડેક્સ 11 પૉઇન્ટ, હેંગસેંગ 86 પૉઇન્ટ, એમએસસીઆઈ બ્રોડેસ્ટ 0.2 ટકા, ચીનનો બ્લૂચીપ 0.7 ટકા વધ્યા હતા. યુરોપનાં બજારો વિક્રમી ઊંચાઇએ હતાં.
Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer