જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવનો ફુગાવો વધીને 3.1 ટકા

જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવનો ફુગાવો વધીને 3.1 ટકા
નવી દિલ્હી, તા.14 : હોલસેલ ભાવ આધારિત ફુગાવો જાન્યુઆરીમાં વધીને 3.1 ટકા થયો હતો, જે ડિસેમ્બરમાં 2.59 ટકા હતો, એમ સરકારી આંકડા દર્શાવે છે. વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં જથ્થાબંધ ભાવનો એકંદર ફુગાવો 2.50 ટકા હતો, જ્યારે ગત વર્ષના સમાન સમયગાળામાં 2.49 ટકા હતો, એમ એક સત્તાવાર યાદી જણાવે છે.  
ફળો, શાકભાજી, ચા, દાળ અને માંસાહાર પદાર્થોના ભાવ ઘટતાં જાન્યુઆરીમાં ખાદ્ય પદાર્થોનો હોલસેલ ફુગાવો ડિસેમ્બરની સરખામણીએ એક ટકા ઘટયો હતો. ચામડું અને ચામડાની ચીજોનો ભાવાંક 0.5 ટકા ઘટીને 118.3 થયો હતો, જેનું મુખ્ય કારણ કમાવેલું ચામડું, ચામડાનાં પગરખાં અને પટ્ટો તેમ જ અન્ય વસ્તુઓના ભાવમાં થયેલો એક ટકાનો ઘટાડો હતો. ડિસેમ્બરમાં આ ઈન્ડેક્સ 118.9 હતો. તેમ છતાં વેજિટેબલ ટેન્ડ લેધર (બે ટકા), ટ્રાવેલ ગુડ્સ, હેન્ડબેગ્સ, ઓફિસ બેગ્સ વગેરે સંબંધિત વસ્તુઓના ભાવમાં એક ટકાનો વધારો નોંધાયો હતો.
દરમિયાન સરકારી આંકડા મુજબ, ખાદ્ય પદાર્થો મોંઘા થતાં જાન્યુઆરીમાં છૂટક ફુગાવાનો દર વધીને 7.59 ટકા થયો હતો, જે છ વર્ષમાં સૌથી ઉંચો દર છે. છૂટક ભાવાંકનો ફુગાવો સતત છ મહિનાથી વધી રહ્યો છે. 
ડિસેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનનો દર 0.3 ટકા ઘટીને 2.5 ટકા થયો છે. વીજ ઉત્પાદન ઘટીને 0.1 ટકા, ખાણ ક્ષેત્રના ઉત્પાદનમાં 5.4 ટકાનો વધારો થયો હતો. એપ્રિલ-ડિસેમ્બર ગાળામાં આઈઆઈપી ગ્રોથ ઘટીને 0.5 ટકા થયો છે, જે નાણાકીય વર્ષ 2018-19ના સમાન ગાળામાં 4.7 ટકા હતો.  
ખાદ્ય પદાર્થોના ભાવ ઘટવા છતાં એકંદર જથ્થાબંધ ફુગાવામાં વધારો થયો છે તે દર્શાવે છે કે ફુગાવાનો વ્યાપ વધી રહ્યો છે. બીજી બાજુ ઔદ્યોગિક ઉત્પાદન ઘટતું જાય છે. આ સંજોગોમાં રિઝર્વ બૅન્ક માટે નાણાંનીતિનું સંચાલન વધુ પડકારભર્યું બની રહેશે એમ કેટલાક અર્થશાત્રીઓએ જણાવ્યું હતું. 
Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer