APMCના ડાયરેક્ટરોની ચૂંટણી 29 ફેબ્રુઆરીએ મતદાન

બીજી માર્ચે પરિણામ
મસાલા માર્કેટ અને દાણાબંદરના ઉમેદવારો વચ્ચે થશે ભારે રસાકસી
મણિલાલ ગાલા તરફથી
નવી મુંબઈ, તા. 14 : અહીંની એગ્રિક્લચર પ્રોડયુસ માર્કેટ કમિટી (એપીએમસી)નાં વિવિધ બજારોનું પ્રતિનિધિત્વ કરતા ડાયરેક્ટરોની ચૂંટણી શનિવાર, 29 ફેબ્રુઆરીએ યોજાવાની છે ત્યારે ખાસ કરીને મસાલા-કરિયાણા (માર્કેટ-1)ના ડાયરેક્ટર અને દાણાબંદરનાં ડાયરેક્ટરની ચૂંટણીમાં ભારે રસાકસી જામે એવા એંધાણ મળે છે.
આજે શુક્રવારે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની આખરી તારીખ હતી. ત્યારે મસાલા-કરિયાણા બજારની બેઠક માટે ત્રણ અને દાણાબંદરની બેઠક માટે પણ ત્રણ ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. આથી આ બન્ને બેઠકો પર ત્રિપાંખીયો જંગ જામશે.
માર્કેટ-1ના ત્રણ ઉમેદવારોમાં ભૂતપૂર્વ ડાયરેક્ટર, નવી મુંબઈ મર્ચન્ટસ ચેમ્બરના ચૅરમૅન અને બોમ્બે મૂડી બજાર કરિયાણા મર્ચન્ટસ ઍસોસિયેશનના ચૅરમૅન કીર્તિભાઈ રાણા, મુંબઈ ડ્રાયફ્રૂટ્સ ઍન્ડ ડેટ્સ મર્ચન્ટસ ઍસોસિયેશનના પ્રમુખ વિજયભાઈ ભુતા અને બોમ્બે સુગર મર્ચન્ટ્સ ઍસોસિયેશનના પ્રમુખ અશોકકુમાર જૈનનો સમાવેશ થાય છે. આ બેઠક માટે લગભગ 1078 મતદારો છે.
દાણાબંદરના બેઠકના ઉમેદવારોમાં `ગ્રોમા'ના ભૂતપૂર્વ સેક્રેટરી, `ગ્રોમા' કંપનીના ડાયરેક્ટર નિલેશ વીરા, `ગ્રોમા'ના ભૂતપૂર્વ સેક્રેટરી પોપટલાલ ભંડારી અને લક્ષ્મીદાસ ભાનુશાલીનો સમાવેશ થાય છે. આ બેઠક માટે લગભગ 877 મતદારો છે.
બીજી તરફ જથ્થાબંધ શાકભાજી માર્કેટના ડાયરેક્ટરની બેઠક માટે ભૂતપૂર્વ ડાયરેક્ટર શંકર પિંગળે અને કાશીનાથ મોરે વચ્ચે સીધી સ્પર્ધા થશે. એવી જ રીતે જથ્થાબંધ કાંદા-બટાટા બજારની બેઠક માટે ભૂતપૂર્વ ડાયરેક્ટર અશોક વાળુંજ અને રાજેન્દ્ર શેળકે વચ્ચે સીધી સ્પર્ધા થશે.
ઉલ્લેખનીય છે કે જથ્થાબંધ ફળબજારની બેઠક માટે આ બજારના ભૂતપૂર્વ ડાયરેક્ટર સંજય પાનસરે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. એવી જ રીતે માથાડી-માથાડીની બેઠક માટે માજી કેબિનેટ પ્રધાન શશિકાંત શિંદે પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
દરમિયાન નવી મુંબઈ એપીએમસીનું છેલ્લું સંચાલકમંડળ 2008થી 2014 સુધી કાર્યરત હતું એ બાદ રાજ્ય સરકારે બૉર્ડને બરખાસ્ત કર્યું હતું અને ત્યારથી પ્રશાસકને નિમવામાં આવ્યા હતા.
29 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાયા બાદ પરિણામ સોમવાર બીજી માર્ચે જાહેર કરવામાં આવશે. 
તમામ ઉમેદવારો હવે પ્રચારમાં લાગી ગયા છે.
Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer