કેમ છો ટ્રમ્પ''ની તૈયારીમાં મોટેરા સ્ટેડિયમમાં 1 કરોડનો 3ડી કૅમેરા લગાવાયો!

કેમ છો ટ્રમ્પ''ની તૈયારીમાં મોટેરા સ્ટેડિયમમાં 1 કરોડનો 3ડી કૅમેરા લગાવાયો!
એફબીઆઈ સહિત અમેરિકાની સુરક્ષા એજન્સીના અધિકારીઓ અમદાવાદમાં
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.14: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે અમદાવાદ શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમના શુભારંભ અવસરે યોજાનારા કેમ છો ટ્રમ્પ કાર્યક્રમને અનુલક્ષીને અમેરિકાની સુરક્ષા એજન્સીના અધિકારીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા માટે અમેરિકાની સુરક્ષા એજન્સીની સાથે ભારતીય સુરક્ષા એજન્સીના અધિકારીઓ પણ સતર્ક છે. મોટેરા સ્ટેડિયમ વિસ્તારમાં 500થી વધુ સીસીટીવી કૅમેરા લગાડવાની કામગીરી ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 1 કરોડની કિંમતનો 3ડી ઇફેક્ટ કૅમેરા પણ સુરક્ષાના ભાગરૂપે લગાડવામાં આવ્યો છે. આ કૅમેરો 360 ડિગ્રીથી ફોટા કેપ્ચર કરી શકે છે. 
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી રહ્યા છે. અમેરિકામાં યોજાનારી ચૂંટણી પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારત આવી રહ્યા છે. ત્યારે વ્હાઇટ હાઉસે પણ તેમના કાર્યક્રમને પુષ્ટિ આપી દીધી છે. ટ્રમ્પ અમેરિકાથી સીધા અમદાવાદ ઍરપોર્ટ પર આગમન કરનાર છે. અહીં તેમને ગાર્ડ અૉફ અૉચનર આપવામાં આવશે. ટ્રમ્પની અમદાવાદ મુલાકાત દરમિયાન અમદાવાદ ઍરપોર્ટ પર દરેક વિમાની સેવાનું સંચાલન રોકીને સમગ્ર ઍરપોર્ટને નો-ફ્લાય ઝોનમાં રાખવામાં આવશે. સુરક્ષાના ભાગરૂપે તમામ રસ્તા પર ફાયર બ્રિગેડ પણ ડ્રોન સહિતની તમામ સુવિધાઓ સાથે ઉપલબ્ધ રહેશે. સમગ્ર વિસ્તારમાં સિક્યુરીટી પોઇન્ટ પણ ઊભા કરવામાં આવશે. સ્ટેડિયમની અંદર-બહાર અને પાર્કિંગ સ્થળોએ પણ ફાયર બ્રિગેડ તહેનાત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેવાના છે જેનાં પગલે સુરક્ષા માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટેરા સ્ટેડિયમમાં અલાયદો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે અને તેમાં અમેરિકાની સુરક્ષા એજન્સીના અધિકારીઓ ખાસ તહેનાત કરાશે. હાલમાં ભારત સરકારના સુરક્ષા અધિકારીઓ અને અમેરિકાની સુરક્ષા એજન્સીના અધિકારીઓ સાથે મળીને સુરક્ષા કવચ બનાવી રહ્યા છે.  
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો 12 કિમી લાંબો રોડ શો યોજવાનો છે ત્યારે આ સમગ્ર રોડ પર શસત્ર જવાનોને તહેનાત કરવામાં આવનાર છે. જ્યારે ટ્રમ્પની કાર ફરતે અમેરિકાના કમાન્ડો તહેનાત રહેશે. આ રોડ શોમાં 55 ગાડીઓનો કાફલો હશે, જેમાં 40 જેટલી ગાડીઓ તો ટ્રમ્પ અને મોદીના કાફલામાં કાયમ માટે જ તહેનાત રહેનારી છે. જ્યારે અન્ય ગાડીઓમાં પોલીસ અધિકારીઓની ગાડીઓનો સમાવેશ થાય છે. 
અમદાવાદ શહેરના સાબરમતી, મોટેરા અને ગાંધી આશ્રમ વિસ્તારમાં ચાલી રહેલા કામો હાલમાં અંતિમ તબક્કામાં છે. ગુજરાત સરકાર અને મ્યુનિ. કૉર્પો.ના અધિકારીઓ સતત તમામ સ્થળોનું નિરીક્ષણ કરી રહ્યા છે. સમગ્ર અમદાવાદ શહેરમાં પોલીસને સ્ટેન્ડ ટુનો આદેશ આપી દેવામાં આવ્યો છે અને સમગ્ર શહેરમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. અમદાવાદ શહેરમાં ઠેરઠેર ચેકપોસ્ટો ગોઠવી વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન શહેરમાં પ્રવેશતા માર્ગો પર નાકાબંધી કરી તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 
Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer