નારિયેળ તેલની ટીકા કરતો વીડિયો દૂર કરવા સામે સ્ટૅ

મુંબઈ, તા. 15 : અગ્રણી બ્રાન્ડના નારિયેળ તેલની કથિત બદનામી કરતા આલોચનાત્મક વીડિયો પાછો ખેંચવાનો યુ-ટયુબરને હાઈ કોર્ટના સિંગલ જજ દ્વારા અપાયેલા આદેશ પર હાઈ કોર્ટની બેન્ચે સ્ટૅ આપ્યો હતો.
ચીફ જસ્ટિસ પ્રદીપ નંદરાજોગ અને જસ્ટિસ ભારતી ડાંગરેની બેન્ચને યુ-ટયુબર અભિજિત ભણશાળીએ વીડિયોમાં ફેરફાર કરવાનું લેખિતમાં જણાવ્યું હતું.
સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે એમાં દર્શાવાતા વીડિયોની અસર એ જોનાર તમામ લોકો પર પડતી એટલે સિંગલ જજ બેન્ચના જસ્ટિસ એસ. જે. કાથાવાલાએ વીડિયો બ્લોગરને વીડિયો હટાવી દેવાનો આદેશ આપ્યો હતો. મેરિકો લિમિટેડ દ્વારા ફાઈલ કરાયેલી અરજીમાં વીડિયો કાઢવાની સાથે થયેલી નુકસાની માટે વીડિયો બ્લોગર પાસે ભરપાઈ અંગેનો દાવો કર્યો હતો. સિંગલ જજના ચુકાદાને ભણશાળીએ ડિવિઝન બેન્ચમાં પડકાર્યો હતો.
ભણશાળીના વકીલે તેલ કાયદા હેઠળ માન્ય હોવા છતાં તેલ ઊતરતી કક્ષાનું હોવાનું જણાવાતું નિવેદન કાઢી નખાશે એમ લેખિતમાં જણાવ્યું હતું. આને પગલે બેન્ચે બે અઠવાડિયાંમાં બદનક્ષી કરતી ટિપ્પણી કાઢી નાખવાનો આદેશ આપવાની સાથે સિંગલ જજના આદેશ પર સ્ટૅ આપ્યો હતો.

Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer