આવકવેરા ખાતાને તાકીદ: બે લાખ કરોડ વસૂલ કરો

આવકવેરા ખાતાને તાકીદ: બે લાખ કરોડ વસૂલ કરો
મુંબઈ, તા. 15 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા ઓછા ભારતીયો આવકવેરો ભરતા હોવાનો મુદ્દો ઉઠાવ્યો એના બે દિવસ બાદ સરકારે એની નવી એમ્નેસ્ટી સ્કીમ `િવવાદ સે વિશ્વાસ' અંતર્ગત બે લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. યોજના જૂન 2020માં પૂરી થાય છે, પણ 31 માર્ચ, 2020 સુધીમાં એટલે કે 45 દિવસમાં લક્ષ્ય સાધવા જણાવાયું હોવાનું સૂત્રએ જણાવ્યું હતું.
બિલને હજુ મંજૂરી મળી નથી. એ માર્ચના પહેલા અઠવાડિયામાં રજૂ કરાશે. આમ છતાં દેશભરના આવકવેરા વિભાગના અધિકારીઓને આ અંગે જણાવાયું છે. જોકે, આને કારણે આકારણીકાર અને કરદાતાની હેરાનગતિ થવાની શક્યતા વધે એવી આશંકા છે.
વડા પ્રધાન કાર્યાલયે યોજનાને અમલમાં મૂકવા માટે ખાસ સેલની રચના કરી છે, જેમાં રેવન્યૂ સેક્રેટરી અજય ભૂષણ પાંડે અને સીબીડીટીના ચૅરમેન પી. સી. મોદીનો સમાવેશ કરાયો છે. તેઓ અઠવાડિયામાં એક વાર મળી સ્કીમ હેઠળ થયેલા કલેક્શન પર દેખરેખ રાખશે. વિવાદ સે વિશ્વાસ યોજના અંતર્ગત ડાયરેક્ટ ટૅક્સ અંગેના વિવિધ એપેલેટ ફોરમમાં 4.83 લાખ પડતર કેસનો નિવેડો લાવવાનો ઉદ્દેશ છે.
સૂત્રના જણાવ્યા મુજબ વિવાદ સે વિશ્વાસ સ્કીમનું મહત્ત્વ એટલા માટે છે કે નાણાકીય વર્ષ દરમિયાન ડાયરેક્ટ ટૅક્સ દ્વારા થનારી આવકના અંદાજ કરતાં 1.25 લાખ કરોડ રૂપિયા જેટલી ઘટ નોંધાઈ હતી. સીબીડીટીના ચૅરમૅન મોદીએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ અત્યાર સુધીમાં માત્ર 7.40 લાખ કરોડ રૂપિયા જ ઉઘરાવી શક્યું છે. પ્રસ્તાવિત બિલમાં 31 માર્ચ, 2020 સુધીમાં વિવાદિત ટૅક્સની પૂરી રકમ કરદાતા ચૂકવે તો વ્યાજ અને દંડની રકમ માફ કરવાની જોગવાઈ કરાઈ  છે. હવે પ્રધાનમંડળે લક્ષ્યને પહોંચી વળવા મંજૂર કરેલા નવા સુધારામાં બે દરનો સમાવેશ કરાયો છે.
જો નીચલા ફોરમમાં આવકવેરા વિભાગ કેસ જીતે તો પણ આકારણીકાર અપીલ કરતો હોવાથી સો ટકા રકમ સરકારની તિજોરીમાં આવતી નથી એટલે આઈટીએટીના હાઈ કોર્ટ - સુપ્રીમ કોર્ટમાં પડતર કેસમાં વિવાદિત ટૅક્સની રકમના 50 ટકા ચૂકવી કેસનો નીવેડો લાવી શકાશે, જે કરદાતા 50 ટકા રકમ ચૂકવતો હશે એની સામેના આ કેસ સંબંધિત તમામ મુકદ્દમાઓનો અંત આવી જશે. રેવન્યૂ સેક્રેટરી પાંડેએ સીબીડીટી અને ટોચના આવકવેરા કમિશનરને 13 ફેબ્રુઆરીએ સંબોધતાં ડિપાર્ટમેન્ટને આદેશ આપ્યો હતો કે વિવાદિત ટૅક્સના કેસમાં નીચલી ફોરમમાં ડિપાર્ટમેન્ટ કેસ હારી ગયો હોય એવા કેસને ઝડપથી ઉપલી કોર્ટમાં લઈ જઈ શકે છે. ઉપરાંત તમામ આવકવેરા કમિશનરને વિવાદિત ટૅક્સ અંગે ઝડપથી નિર્ણય લે જેથી એને લીગલ ફોરમમાં લઈ જઈ શકાય. ઉપરાંત આકારણીકાર અધિકારીને લીગલ ફોરમમાં પડતર કેસની વિવાદિત રકમની પુન: ગણતરી કરવા જણાવાયું છે.

Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer