ટીમ ઈન્ડિયા અૉસ્ટ્રેલિયા સામે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમશે : ગાંગુલી

ટીમ ઈન્ડિયા અૉસ્ટ્રેલિયા સામે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમશે : ગાંગુલી
બીસીસીઆઇની બેઠક બાદ જાહેરાત : ઇંગ્લૅન્ડ સામે પણ રમવા તૈયાર
નવી દિલ્હી તા. 16 : બીસીસીઆઇના અધ્યક્ષ અને પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ આજે સ્પષ્ટ કર્યું છે કે ટીમ ઇન્ડિયા હવે વિદેશમાં પણ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવા તૈયાર છે. ગાંગુલીએ આજે મીડિયા સમક્ષ ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં ગુલાબી દડાથી ડે-નાઇટ ટેસ્ટ રમવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ભારતીય ક્રિકેટ ટીમ તેનો પહેલો ડે-નાઇટ ટેસ્ટ મેચ ગત નવેમ્બરમાં કોલકતાના ઇડન ગાર્ડન મેદાન પર બંગલાદેશ વિરૂધ્ધ રમી હતી. જેમાં કોહલીની ટીમનો વિજય થયો હતો.
આજે બીસીસીઆઇની બેઠક મળી હતી. આ બેઠક બાદ ગાંગુલીએ કહયું હતું કે આ બેઠકમાં આગામી ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાડવાની મંજૂરી આપવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને લાંબા સમયથી ભારત સામે ગુલાબી દડાથી ટેસ્ટ ક્રિકેટ રમાવાનો ઇંતઝાર હતો. આ પહેલા 2018ની ચાર ટેસ્ટની સિરિઝમાં ઓસ્ટ્રેલિયાએ એક મેચ ડે-નાઇટમાં રમવાની ભારતીય ટીમ સમક્ષ ઓફર મુકી હતી, પણ તે ટીમ ઇન્ડિયાએ ઠુકરાવી હતી. વર્ષ 2015થી ડે-નાઇટ ટેસ્ટ મેચની શરૂઆત થઇ છે. આ પછી ભારત ફકત એક જ ડે-નાઇટ મેચ 2019માં રમ્યું છે. હવે બીસીસીઆઇના ચીફ સૌરવ ગાંગુલીએ કહયું છે કે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં ગુલાબી દડાથી દિન-રાત્રીનો ટેસ્ટ મેચ રમવા તૈયાર છે.
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer