પ્રેક્ટિસ મૅચ ડ્રો : મયંક અને ઋષભની ફોર્મમાં વાપસી

પ્રેક્ટિસ મૅચ ડ્રો : મયંક અને ઋષભની ફોર્મમાં વાપસી
મયંક (81) અને ઋષભ (70)ની શાનદાર ઇનિંગ, પણ ગિલ ફરી નિષ્ફળ
હેમિલ્ટન, તા.16: ભારત અને ન્યુઝીલેન્ડ ઇલેવન વચ્ચેનો ત્રણ દિવસિય પ્રેકટીસ મેચ ડ્રો રહ્યો હતો. આ મેચ થકી ટીમ ઇન્ડિયાએ સારી બોલિંગ-બેટિંગનો લાભ લીધો હતો. મેચના આખરી દિવસે આજે ભારતે તેના બીજા દાવમાં 4 વિકેટે 252 રન કર્યાં હતા. ભારતીય ટીમ માટે રાહતના સમાચાર એ રહયા હતા કે ઓપનર મયંક અગ્રવાલે ફોર્મમાં વાપસી કરીને 81 અને વિકેટકીપર ઋષભ પંતે 65 દડામાં 70 રનની આક્રમક ઇનિંગ રમી હતી.
ભારતે આજે ત્રીજા દિવસની શરૂઆત વિના વિકેટે 59 રનથી કરી હતી. પૃથ્વી શો 3પ રને નોટઆઉટ રહયો હતો. તે આજે વધુ 4 રન કરીને 39 રને આઉટ થયો હતો. શુભમન ગિલ (9) ફરી નિષ્ફળ રહ્યો હતો. તેની વિકેટ 82 રને પડી હતી. આ પછી મયંક અગ્રવાલ અને ઋષભ પંતે 100 રનની ભાગીદારી કરી હતી. મયંક 99 દડામાં 10 ચોક્કા અને 3 છક્કાથી 81 રનની શાનદાર ઇનિંગ રમીને રિટાયર્ડ હર્ટ થયો હતો. જ્યારે પંત 65 દડામાં ચાર ચોક્કા અને ચાર છક્કાથી 70 રન કરીને આઉટ થયો હતો. બીજા વિકેટકીપર રિધ્ધિમાન સાહ 30 અને આર. અશ્વિન 16 રન કરીને નોટઆઉટ રહ્યા હતા. 
ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ ઇલેવન સામેના આ અભ્યાસ મેચના પહેલા દાવમાં 263 રન કર્યાં હતા. જેમાં હનુમા વિહારીના 101 અને ચેતેશ્વર પુજારાના 93 રન મુખ્ય હતા. ભારત તરફથી શમી, યાદવ અને બુમરાહે પણ બોલિંગમાં સારો દેખાવ કર્યોં હતો. હવે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે તા. 21મીથી પહેલા ટેસ્ટનો પ્રારંભ થશે.
મયંકે 81 રનની ઇનિંગ રમી બર્થ ડે ઉજવ્યો
આજે 16 ફેબ્રુઆરીએ ટીમ ઇન્ડિયાના પ્રતિભાશાળી ઓપનિંગ બેટસમેન મયંક અગ્રવાલે તેનો 29મો જન્મદિન મનાવ્યો હતો. જન્મદિનના ખાસ મોકા પર તેણે ફોર્મમાં વાપસી કરીને 81 રનની સંગીન ઇનિંગ રમી હતી. પાછલી 12 ઇનિંગમાં આ તેની પહેલી અર્ધસદી છે. ન્યુઝીલેન્ડ ઇલેવન વિરૂધ્ધના મેચની સમાપ્તિ બાદ મયંકનો જન્મદિન સાથી ખેલાડીઓએ ઉજવ્યો હતો. કેક કાપવામાં આવી હતી અને બર્થ ડે બોયનો ચેહરો કેકથી ભરી દેવામાં આવ્યો હતો. બીસીસીઆઇએ તેના ટિવટર હેન્ડલ પર આ પ્રસંગના ફોટા શેર કર્યાં છે.
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer