એલઆરડી : સુપર ન્યુમરી જગ્યાઓને કારણે 5227 અનામત

બિનઅનામત બહેનોને મળશે લાભ  
50 ટકા ગુણાંક અને 62.5 ગુણ મેળવ્યા હોય તેવી બહેનોને લાભ અપાશે 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 16 : ગુજરાતમાં એલઆરડી (લોક રક્ષક દળ) મહિલા ભરતી સંદર્ભે તાજેતરમાં એલઆરડી ભરતી બોર્ડ દ્વારા જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી અને તેમાં તા 1.8.208ના પરિપત્રને લઇને જે વિવાદ ઊભો થયો હતો. આ સંદર્ભે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાને આજે રાજ્યના પ્રધાનો તેમજ અનામત-બિનઅનામતના વર્ગોના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. ફલસ્વરૂપે હવે સુપર ન્યુમરી જગ્યાઓને કારણે કુલ 5227 જેટલી અનામત બિનઅનામત વર્ગની બહેનોને લાભ મળશે. 
અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે એલઆરડી મુદ્દે અનામત અને બિન-અનામતને મામલે શનિવારે મહેસાણામાં બંધ પાળવામાં આવ્યો હતો. બંધારણીય અધિકાર આંદોલન સમિતિએ પાંચ દિવસમાં સરકાર નિર્ણય જાહેર ન કરે તો ગુજરાત બંધના એલાનની ચીમકી આપી.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એલઆરડી ભરતીની આ પ્રક્રિયા પૂરતો તા. 1.8.2018નો પરિપત્ર બાજુએ રાખીને જૂની પદ્ધતિ પ્રમાણે ભરતી કરવાનું નક્કી કર્યું છે. તેથી આ પરિપત્રને ધ્યાનમાં લીધા સિવાય 1997થી જે પ્રમાણે મહિલા અનામત આપવામાં આવતું હતુ તેને અનુસરવામાં આવશે.
રાજ્ય સરકારે રાજ્યના પોલીસ દળમાં નોકરીની વધુ તકો ઊભી થાય તે માટે સુપર ન્યુમરી જગ્યાઓનો પણ નિર્ણય લીધો છે. આના પરિણામે અનામત અને બિનઅનામત વર્ગો એન બન્ને કક્ષાએ બહેનોને ભરતીમાં યોગ્યતાના આધારે વધુ તક મળશે. તેમજ એલઆરડી ભરતી પ્રક્રિયામાં 50 ટકા ગુણાંક અને 62.5 ગુણ મેળવ્યા હોય તેવી બહેનોને લાભ આપવામાં આવશે. 
નાયબ મુખ્યપ્રધાને તમામ કેટેગરીની બહેનોને ભરતી માટે સુપર ન્યુમર જગ્યાઓમાં જે વધારો થવાનો છે તેની વિગતો આપતા જણાવ્યું હતું કે એસ.ઇ.બી.સી (બક્ષીપંચ) બહેનોની 1834 જગ્યા હતી તે હવે 3248, જનરલ (સામાન્ય) કેટેગરીની બેઠકો 421 હતી તે વધીને 880 તેમજ એસ.સી.(અનુસીચિત જાતિ)માં 346ના સ્થાને 588 અને એસ.ટી (અનુસૂચિત જનજાતિ) કેટેગરીમાં 476થી વધીને 511 જગ્યાઓ થશે. અગાઉના કટઓફ માર્કસના ધોરણમાં વધારો કરીને 62.5 ગુણ કટઓફ કરવામાં આવતા કુલ 5227 જગ્યાઓ ઉપર બન્ને વર્ગની બહેનોને લાભ મળશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની અન્ય કોઇ ભરતી પ્રક્રિયા તા. 1.8.2018ના પરિપત્ર સંદર્ભમાં કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી કરવામાં આવશે નહી. 
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer