સીએએ મુદ્દે ગૃહપ્રધાન આવાસે કૂચની મંજૂરી ન મળી

5000 પ્રદર્શનકારી પરત ફર્યા
નવી દિલ્હી, તા. 16 : શાહીનબાગના લગભગ 5000 પ્રદર્શનકારીઓને દિલ્હી પોલીસે અમિત શાહના આવાસ સુધી કૂચ કરવાની મંજૂરી ન આપતા પ્રદર્શનકારીઓ પાછા ફર્યા હતા. શરૂઆતમાં પ્રદર્શનકારીઓ પોતાની જીદ ઉપર અડગ રહ્યા હતા અને માર્ચ આગળ ધપાવવાની કોશિશ પણ કરી હતી. જો કે પોલીસે મંજૂરી આપી નહોતી. જેના કારણે પરત ફરવાની ફરજ પડી હતી. 
ડીસીપી સાઉથ ઈસ્ટ આરપી મીનાએ કહ્યું હતું કે, પ્રદર્શનકારીઓએ સુચના આપી હતી કે તેઓ અમિત શાહના આવાસ સુધી કૂચ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ પાસે ગૃહમંત્રીને મળવાની મંજૂરી નહોતી જેના કારણે કૂચને મંજૂરી આપી શકાય નહી. આ માટે લોકોને વાતચીત મારફતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ કહ્યું હતું કે તેઓ અમિત શાહને મળવા માગે છે કારણ કે અમિત શાહે કહ્યું હતું કે જે લોકોને સીએએ સામે વાંધો છે તેઓ મળી શકે છે અને પોતાની મુશ્કેલી બતાવી શકે છે. એક પ્રદર્શનકારીએ કહ્યું હતું કે, શાહીનબાગને સીએએથી વિરોધ છે એટલે અમિત શાહના આવાસે જશે અને માર્ચ કરશે. 
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer