એપ્રિલમાં રાજ્યસભાના 51 સભ્યોની નિવૃત્તિ

ખાલી પડનારી બેઠકોથી ભાજપ-કૉંગ્રેસને વધુ લાભ
નવી દિલ્હી, તા. 16 : આગામી એપ્રિલમાં રાજયસભાના 51 સભ્યોની મુદત પૂર્ણ થવા સાથે આટલી બેઠકો ખાલી પડવાથી તેમાંની મોટા ભાગની ભાજપ અને કોંગ્રેસ જીતે તેવી સંભાવના છે. જો કે બેઉ પક્ષોની બેઠકોની સંખ્યા નજીવી માત્રામાં ઘટશે ય ખરી.254 ના ગૃહમાં તૃણમૂલ અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટીને ય નોંધનીય લાભ થવા સંભવ છે.ગૃહની સંરચનામાંનો આ ફેરફાર ભાજપ માટે ચિંતાનુ કારણ બને તેમ નથી જો કે ઉપલા ગૃહમાં હજી ય ભાજપની બહુમતી નથી. તે છતાં પક્ષ ગૃહમાં કાયદા પસાર કરાવતો અટકતો નથી, જે તે બિજુ જનતા દળ અને વાયએસઆરસીપી જેવા પક્ષોના ટેકાને આભારી છે.
એપ્રિલમાં મુદત પૂર્ણ થનાર છે તેઓમાં રાજયસભા ઉપાધ્યક્ષ હરિવશ, એનસીપી નેતા શરદ પવાર, કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે, કોંગ્રેસી નેતા મોતીલાલ વોરા, દિગ્વિજયસિંહ, મધૂસુદન મિત્રી, ભાજપના વિજય ગોયલ, સત્યનારાયણ જતિયા, દ્રમુકના ટી. શિવા, જેડી (યુ)ના કહેકશાં પરવીન અને અન્નાદ્રમુકના વિલા સત્યનાથનો સમાવેશ થાય છે.
ગૃહમાં 82 સભ્યો ધરાવતા ભાજપમાં તેર સભ્યોનો ઉમેરો થવા ધારણા છે. ઓડિશામાં ખાલી પડનારી 3 બેઠકોમાંથી બે બીજેડી જીતે તેવી શકયતા છે. આંધ્ર પ્રદેશમાં એપ્રિલમાં ખાલી પડનારી તમામ ચાર બેઠકો વાયએસઆરસીપીના કબજામાં જશે. હિમાચલ પ્રદેશ અને હરિયાણામાંના પોતાના સંખ્યાબળમાં ભાજપ 1-1 બેઠક ઉમેરશે.
ગૃહમાં 46 બેઠકો ધરાવતી કોંગ્રેસની બેઠકોની સંખ્યા એપ્રિલમાં દસ વધવા શકયતા છે.
નિવૃત્ત થનારા સભ્યોની રાજયવાર સંખ્યા જોઈએ તો મહારાષ્ટ્રમાંથી 7, તમિળનાડુમાંથી 6, બિહાર અને પ.બંગાળમાંથી પાંચ-પાંચ, આંધ્ર અને ગુજરાતમાંથી ચાર-ચાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગણ અને ઓડિશામાંથી ત્રણ-ત્રણ, ઝારખંડ અને છત્તીસગઢમાંથી બે-બે અને આસામ, મણિપુર, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાંથી એક-એક બેઠકો ખાલી થનાર છે.
ભાજપના એક સીનિયર હોદ્દેદારના જણાવ્યા પ્રમાણે પક્ષ મહારાષ્ટ્રમાંથી ઉપલા ગૃહમાં બે સભ્યોને મોકલવાને આત્મવિશ્વાસ ધરાવે છે. શિવસેના એક સભ્યને મોકલવા ધારણા રાખે છે. તે રીતે તેના સાથી પક્ષો એનસીપી અને કોંગ્રેસને અનુક્રમે બે અને 1 મેળવવા વકી છે. પ.બંગાળમાં ખાલી પડનાર પાંચમાંથી ચાર બેઠક તૃણમૂલને મળવા ધારણા છે. કોંગ્રેસે એવો અણસાર આપ્યો છે કે સીપીએમ જો સીતારામ યેચુરીને ઉતારે તો પક્ષ તેમને ટેકો આપશે. બિહારમાં જેડી (યુ)-ભાજપની યુતિને 3 અને રાજદને બે બેઠકો મળશે. રાજદ રાબડીદેવીનું નામાંકન કરે તેવા અનુમાન છે. તમિળનાડુમાં ખાલી પડનાર છમાં દ્રમુક-અન્નાદ્રમુકને 3-3 મળવા ઉમ્મીદ છે. એમપીમાં 3 પૈકી ભાજપને 1 જ મળવા ધારણા છે.
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer