અનામત સાથે ઈન્ડિયન જ્યુડિશિયલ સર્વિસીઝ રચવામાં આવે

પાસવાને યોજેલી બેઠકમાં પોણોસો દલિત સાંસદોની માગણી : સુપ્રીમના ફેંસલાથી સાંસદો નારાજ, `ફેંસલો ઉલટાવવા વટહુકમ લાવો'
નવી દિલ્હી, તા. 16 : અનામત કંઈ મૂળભૂત અધિકાર નથી એવા સર્વોચ્ચ અદાલતના નિરીક્ષણથી નારાજ દલિત સાંસદો પાર્ટીલાઈનથી ઉપર ઉઠી કેન્દ્રિય અન્ન મંત્રી અને એલજેપીના વડા રામવિલાસ પાસવાનના આવાસે યોજાએલી બેઠકમાં સામેલ થયા હતા અને અનામત સંબંધેનો સર્વોચ્ચ અદાલતનો ફેંસલો ઉલટાવવા વટહુકમ લાવવાની માગણી કરી હતી. તેમ જ આ સાંસદોએ અનામત સાથે ઈન્ડિયન જ્યુડિશિયલ સર્વિસ (આઈજેએસ) રચવામાં આવે તેની તરફેણ કરી હતી. એક અખબાર સાથેની વાતચીતમાં પાસવાને જણાવ્યુ હતું કે બેઠકમાં ઉપસ્થિત તમામ સાંસદોએ ન્યાયતંત્રમાં અનામતની અને આઈજેએસ રચવામાં આવે તેવી માગણી કરી હતી, કારણ કે જયારે પણ સમાજના નબળા વર્ગને લગતી કોઈ બાબત કોર્ટમાં જાય છે ત્યારે તે અટવાઈ પડે છે. બંધારણની કલમ 312માં અખિલ ભારતીય જ્યુડિશિયલ સર્વિસીસ રચવા જોગવાઈ છે. તે આઈએએસ/ આઈપીએસના ધોરણે હોવી જોઈએ તથા આઈજેએસની પસંદગી પ્રક્રિયા યોગ્ય અનામત સાથે સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પારદર્શક હોવી જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.
સાંસદોના એ આઈડિયાનું તમે સમર્થન કરો છો તેવા પ્રશ્ને પાસવાને કહ્યુ હતું કે આઈજેએસની રચનાનું હું બે કારણસર સમર્થન કરુ છું, પહેલું તો એ કે તેનાથીં પારદર્શકતા આવશે કારણ કે હાલની કોલેજીઅમ સિસ્ટમમાં તેનો અભાવ છે અને બીજું એ કે તેમાં સમાજના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ હશે. આઈજેએસ અંગે સરકાર સંસદમાં હકારાત્મક જવાબ આપી ચૂકી છે. સરકાર તે પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચારી રહી છે.
જાહેર રોજગારીમાં પ્રમોશન અને નિયુકિતમાં અનામત પૂરી પાડવા રાજય સરકારો બંધાયેલી નથી અને કવોટા મૂળભૂત અધિકાર નથી એમ જણાવતા સર્વોચ્ચ અદાલતના રુલિંગને રદ કરવાને જરૂરી પગલાં લેવા આ સાંસદોએ માગણી કરી હતી. અનામતોને કોઈ બંધ ન કરી શકે.યહ પથ્થર કી લકીર હૈ એમ જણાવી પાસવાને ઉમેર્યુ હતું કે સરકાર સર્વોચ્ચ અદાલતના ફેંસલા વિરુદ્ધ સમીક્ષા અરજી નોંધાવવા સરકાર વિચારી રહી છે. તેને બદલે મારા મતે વટહુકમ લાવવો એ આસાન માર્ગ છે. આવા તમામ મુદ્દાને બંધારણના 9મા પરિશિષ્ટમાં સામેલ કરી દેવા જોઈએ જેથી તેને ન્યાયિક સમીક્ષાના દાયરાથી બહાર રાખી શકાય.
અનુસૂચિત જાતિ અને અનુ. જનજાતિના સાંસદોની પાસવાને દસમીએ યોજાએલી બેઠકમાં 70 સાંસદોએ ભાગ લીધો હતો, જેમાં કેન્દ્રના 6 મંત્રીનો ય સમાવેશ થતો હતો.
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer