સાવધાન : પોલીસ હોવાનું જણાવી દાગીના લૂંટી જનારાઓથી

 વરિષ્ઠ નાગરિકો પરેશાન 
મુંબઈ, તા. 16 : પોલીસનો પહેરો અને ઠેર ઠેર બેસાડેલાં સીસીટીવીને કારણે ચેન ચોરીની ઘટનાઓ પર નિયંત્રણ મેળવવામાં મુંબઈ પોલીસને સફળતા મળી છે. પરંતુ હવે ચેન સ્નેચિંગને બદલે રસ્તા પરથી પસાર થતી એકલદોકલ મહિલા કે વરિષ્ઠ નાગરિકોને વિવિધ કારણો બતાવી તેમના દાગીના લૂંટવાના બનાવો વધ્યા છે. ચોરટાઓ મહિલાઓ કે વરિષ્ઠ નાગરિકોને પોલીસ હોવાનું જણાવી કે અન્ય બહાનાંસર તેમની પાસેના દાગીના લૂંટી ભાગી જતા હોય છે.
સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા 77 વર્ષીય વસંતકુમાર શેટ્ટી તેમનાં પત્ની સાથે અંધેરી પૂર્વમાં જે બી નગરથી મોબાઇલ રિચાર્જ  કરવા નીકળ્યા હતા. એ સમયે ટુ વ્હીલર પર આવેલા એક યુવાને એ પોલીસ હોવાનું જણાવવાની સાથે કહ્યું કે, આગળ એકની હત્યા કરવામાં આવી છે અને સંચારબંધી લાગુ કરાઈ છે. તમે બંને શરીર પરના દાગીના ઉતારી રૂમાલમાં બાંધી લો. ચોરટાની વાત સાંભળી ગભરાઈ ગયેલા શેટ્ટીનાં પત્નીએ શરીર પરના સવાલાખ રૂપિયાના દાગીના ઉતાર્યા. યુવાન દાગીના રૂમાલમાં બાંધવામાં સહાય કરવાના બહાને હાથચાલાકી કરી સવા લાખ રૂપિયાની કિંમતના દાગીના લઈ ભાગી છૂટયો. બંને ઘરે પહોંચ્યા બાદ જાણ થઈ કે રૂમાલમાં દાગીના નહોતા. તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં તેમણે અંધેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી.
આવી જ ઘટના વિલે પાર્લે ખાતે રહેતા 70 વર્ષીય રણછોડભાઈ સાથે પણ બની હતી. હંમેશની જેમ મોર્નિંગ વૉક માટે ઘરેથી નીકળ્યા ત્યારે એન એસ રોડ પર ચાર યુવાનો તેમની પાસે આવી પોલીસ હોવાનું જણાવી દાગીના કાઢી રૂમાલમાં મૂકવા જણાવ્યું. એટલું જ નહીં, હાથ ચાલાકી દ્વારા ચારેય 1.20 લાખ રૂપિયાના દાગીના લઈ પલાયન થઈ ગયા. આ અંગે જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.ચોરીની ઘટનામાં ભારે વધારો થયો હોવાથી દાગીના પહેરીને ન ફરવાની સલાહ આપવાની સાથે સાંતાક્રુઝના વાકોલા પરિસરમાં રમેશ સિંગ નામના સિનિયર સિટિઝનના શરીર પરના દાગીના લઈ ધુતારો નાસી ગયો હતો. જ્યારે મલબાર હિલ ખાતે ઘરકામ કરતી 65 વર્ષીય લક્ષ્મીબાઈ હંમેશની જેમ માલિકના શ્વાનને લઈ ફરવા નીકળી ત્યારે નેપિયન્સી રોડ ખાતે બે યુવાનો બાઈક પર આવ્યા. બધા દાગીના કાઢીને રાખો આગળ હત્યા થઈ છે. અમે પોલીસ છીએ અને તમને સાવધ કરીએ છીએ. પોલીસ હોવાનું જણાવતા સાચું હશે એમ માની લક્ષ્મીબાઈએ ત્રણ તોલાનું મંગળસૂત્ર કાઢ્યું. બંનેએ મંગળસૂત્રને પાલવમાં બાંધી આપવાના બહાને લૂંટી ગયા. લક્ષ્મીબાઈએ કરેલી ફરિયાદને પગલે મલબાર હિલ પોલીસે ગુનો નોંધ્યો હતો.
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer