ડેબિટ-ક્રેડિટ કાર્ડની છેતરપિંડીમાં દસ વર્ષમાં લોકોએ 615.39 કરોડ ગુમાવ્યા

મુંબઈ, તા. 16 : ડેબિટ-ક્રેડિટ કાર્ડની છેતરપિંડી દ્વારા છેલ્લાં દસ વર્ષમાં 1.17 લાખ કરતા વધુ કેસમાં લોકોએ 615.39 કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાનું રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)ના આંકડા જણાવે છે. એપ્રિલ 2009થી સપ્ટેમ્બર 2019 સુધીમાં ભારતમાં ડેબિટ-ક્રેડિટ કાર્ડ દ્વારા છેતરપિંડી થઈ હોય તેવા 1.17 લાખ કરતા વધુ ગુના નોંધાયા છે. માહિતી મેળવવાના અધિકાર અંર્તગત પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સેન્ટ્રલ બૅન્કે કહ્યું હતું કે, છેતરપિંડીનો આંકડો હજી વધારે હોઈ શકે છે. કારણકે એપ્રિલ 2009થી એપ્રિલ 2017 સુધી બૅન્કે એક લાખથી ઓછા રૂપિયાના સાયબરક્રાઈમનો રેકર્ડ જ નહોતો રાખ્યો. 
પોલીસ અધિકારીઓ અને સાઈબર નિષ્ણાતોનું માનવું છે કે, ડેબિટ-ક્રેડિટ તેમ જ એટીએમ કાર્ડનો વપરાશ, ઈન્ટરનેટ બૅન્કિંગ અને અૉનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે નાગરિકોએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. જ્યારે સાયબર ક્રાઈમ પર અંકુશ મુકવા માટે બૅન્કે સિક્યોરિટી વધુ મજબુત કરવાની જરૂર છે. આરટીઆઈના આંકડા મુજબ, એપ્રિલ 2009 થી એપ્રિલ 2017 સુધી આઠ વર્ષમાં આરબીઆઈ પાસે ડેબિટ/ક્રેડિટ કાર્ડ દ્વારા ફ્રોડ થયા હોવાના 6,785 ગુના નોંધાયા હતા અને તેમાં 243.95 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા, પરંતુ એપ્રિલ 2017થી આરબીઆઈએ એક લાખ રૂપિયા કરતા ઓછી રકમના ફ્રોડનો રેકર્ડ રાખવાનું શરૂ કરતા ગુનાઓની સંખ્યામાં પ્રચંડ વધારો થયો હતો. એપ્રિલ 2017થી સપ્ટેમ્બર 2019 દરમિયાન 1,10,367 ગુના નોંધાયા હતા અને 371.44 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer