બાર ગર્લમાંથી ક્રાઇમ ક્વિન બનેલી મહિલા ચોર પકડાઇ

યાસ્મીન શેખના નામે લોકલ ટ્રેનમાં ચોરીનાં 53 કેસો નોંધાયેલા છે
મુંબઈ, તા.16 : લગભગ દાયકાથી લોકલ ટ્રેનોમાં મહિલા પ્રવાસીઓનો સામાન ચોરતી ક્રાઇમ ક્વિન તરીકે કૂખ્યાત પૂર્વ બાર બાળા યાસ્મીન શેખની રેલવે પોલીસે ધરપકડ કરી છે. હાલમાં વડાલા જીઆરપી (ગવર્નમેન્ટ રેલવે પોલીસ)ની કસ્ટડીમાં રખાયેલી 37 વર્ષની યાસ્મીન વિરુદ્ધ ચોરીના 53 કેસો નોંધાયેલા છે અને દાયકાની ચોરીથી ગોવંડીમાં ફ્લેટ લીધો છે અને તેની મોટી પુત્રી બૉર્ડિંગ સ્કૂલમાં ભણતી હોવાનો આરોપ છે.
યાસ્મીને બાર બાળા તરીકે પોતાની કારકિર્દી આરંભી હતી ત્યારે ઍન્ટોપ હિલમાં રહેતી હતી. મહારાષ્ટ્ર સરકારે ડાન્સ બાર પર પ્રતિબંધ મૂક્યા બાદ યાસ્મીન ચોરીના ગુનાની દુનિયામાં પ્રવેશી હતી. યાસ્મીન વિશે મળતી માહિતી પ્રમાણે શરૂઆતમાં તેણે દાગીનાની ચીલઝડપ કરનારી મહિલાઓ સાથે ભાગીદારી કરી હતી, પરંતુ તેની એક સાગરિત મહિલાએ તેને બુરખો પહેરીને ચોરીમાં પકડાવાનો ડર નહીં રહે એવી સલાહ આપ્યા બાદ તેણે સ્વતંત્ર રીતે ચોરી કરવાનું નક્કી કર્યું હતું અને પકડાઇ ત્યાં સુધી આ સલાહ પ્રમાણે ચાલી હતી. બે વખત લગ્ન કરનારી યાસ્મીનને ત્રણ સંતાન છે, જેમાંથી 15 વર્ષની મોટી દિકરી પંચગીની ખાતેની બૉર્ડિંગ સ્કૂલમાં ભણે છે ત્યારથી યાસ્મીન સાથે નથી રહેતી.
એક પોલીસ અધિકારીના જણાવ્યાં પ્રમાણે 26 જાન્યુઆરીના એક ટીચરે વડાલા જીઆરપી ચોકીમાં ફરિયાદ નોંધાવી હતી કે ગઇ સાંજે હાર્બર લાઇનની ટ્રેનમાં કુર્લા ખાતે તેનું મંગલસૂત્ર ચોરાયું હતું. ફરીયાદ પ્રમાણે ટ્રેનમાં હકડેઠઠ ભીડ વચ્ચે એક બુરખાધારી મહિલા તેની પાસે ઉભી હતી અને બાદમાં મારું મંગલસૂત્ર ચોરાયું હતું. પોલીસે કુર્લા સ્ટેશનના સીસીટીવી ફૂટેજ જોયા અને તેમાં યાસ્મીન દેખાઇ હતી. પોલીસ યાસ્મીનના ગોવંડીના ઘરે પહોંચી હતી ત્યારે તેણે સાડા પાંચ તોલા સોનાના દાગીના પહેરેલા હતા. પોલીસે તેના ઘરમાં ચેકિંગ કરતા ટિફિન બોક્સમાંથી દાગીના અને રોકડ રકમ તેમ જ મોબાઇલ ફોન સહિતનો કિંમતી સામાન મળી આવ્યો હતો. ધરપકડ બાદ પોલીસે લાલ આંખ કરતા તેણે પોતે ચોરી કરતી હોવાનું કબૂલ્યું હતું. પચીસ જાન્યુઆરીના તેણે ચોરેલું મંગલસૂત્ર મળી આવ્યાં બાદ તેની પાસે કબૂલાત સિવાય કોઇ વિકલ્પ પણ નહોતો. હવે પોલીસ તેની વધુ ચોરીના કેસ બહાર લાવવા માટે પૂછપરછ કરી રહી છે.
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer