કરોડો રૂપિયાના દહિસર જમીન કૌભાંડના કેસમાં ચાર પોલીસ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ

બે સહાયક કમિશનર સામે તોળાતા પગલાં
મુંબઈ, તા. 16 : દહિસરમાં કરોડો રૂપિયાના જમીન કૌભાંડના આરોપસર ચાર પોલીસમૅનને સસ્પેન્ડ કરવા સાથે જ બે સહાયક પોલીસ કમિશનરો સામે પગલાં લેવાની ભલામણ મુંબઈ પોલીસ કમિશનર સંજય બર્વેએ રાજ્યના ગૃહ મંત્રાલયને કરી હતી. વર્ષ 2017માં એક ડેવલપરને પરાણે 16 ઍકરનો પ્લોટ ખાલી કરાવવાના કેસમાં આ છ આરોપી પોલીસમૅનો સામે સીબીઆઈ તપાસને ગૃહ મંત્રાલયે શુક્રવારે મંજૂરી પણ આપી હતી. આરોપીઓ સામે કામ ચલાવવાની મંજૂરી માટે રાજ્ય પોલીસે બે વખત લેખિતમાં ભલામણ કરી હતી. 
પોલીસે દાદાગીરી કરી હોવાની આ ફરિયાદ રોમેલ હાઉસિંગ એલએલપીના ડિરેક્ટરો જુડે અને ડોમિનિક રોમેલે નોંધાવી હતી. રોમેલે આ પ્લોટ બે ખાનગી કંપની અને કમરૂદીન શેખ પાસેથી ખરીદ્યો હતો. શેખ પરિવાર 1971થી આ જમીનની માલિકી ધરાવતો હતો અને કમરૂદીનના નિધન બાદ તેના પૌત્ર સલીમે એપ્રિલ 2017માં જુડે વિરુદ્ધ પરાણે ઘૂષણખોરી, દાદાગીરી અને ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જુડેની ધરપકડ થયા બાદ જામીન પર છૂટયો હતો અને બૉમ્બે હાઈ કોર્ટમાં સલીમ અને પોલીસ વિરુદ્ધ અરજી કરી હતી. હાઈ કોર્ટે પોલીસ કમિશનરને આ કેસની તપાસ કરવાનો આદેશ કર્યો હતો. સંયુક્ત પોલીસ કમિશનરની તપાસમાં પોલીસમૅનોને નિર્દોષ જાહેર કરાયા હતા. હાઈ કોર્ટે આ તપાસ સામે નારાજી દર્શાવી હતી અને કેસ સીબીઆઈને સુપરત કરવાનો આદેશ કર્યો હતો. હાઈ કોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીનો ઇન્કાર કર્યો હતો.
સીબીઆઇએ આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું, છેતરપિંડી, ખોટાં પુરાવા ઊભા કરવા, ફરિયાદી સાથે મારપીટ સહિતના આરોપ મુક્યા હતા. આખરે પોલીસ કમિશનરે ઇન્સ્પેક્ટર સંજીવ તાવડે, સહાયક ઇન્સ્પેક્ટર આનંદ જાધવ અને કાકાસાહેબ શિંદે તેમ જ સબ-ઇન્સ્પેક્ટર રેખા સયાકારને સસ્પેન્ડ કર્યાં હતાં. એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે સહાયક પોલીસ કમિશનર પ્રશાંત મારઢે અને સુભાષ સાવંતને સસ્પેન્ડ કરવાના આદેશ પણ અપાયા છે, જેનો નિર્ણય ગૃહ મંત્રાલય લેશે.
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer