બુરુંડીમાં સામૂહિક કબરનાં ખોદકામમાં મળ્યા 6000 માનવ કંકાલ

ગીટેગા, તા. 16 : પૂર્વ આફ્રિકી દેશ બુરુંડીમાં ખોદકામ દરમિયાન બિહામણાં દૃશ્યો સર્જાયા હતાં. સરકાર તરફથી દેશભરમાં શરૂ કરવામાં આવેલા ખોદકામ અભિયાનમાં એક સાથે 6 હજારથી વધુ લોકોનાં માનવ કંકાલ મળી આવતાં સૌની આંખો ફાટી રહી ગઈ હતી. બુરુંડીનાં કરુસી પ્રાંતમાં 6 સ્થાને ચાલતા ખોદકામમાં કુલ મળીને 6033 માનવ કંકાલ મળી આવ્યા છે.
માનવ અવશેષો સાથે મળેલા નાનામોટા સામાનની પણ ઓળખવિધિ ચાલી રહી છે. થોડા વર્ષ પહેલા સરકારે અહીં દેશભરમાં બનેલી 4 હજાર જેટલી સામૂહિક કબરોને ખોદીને મૃતદેહોની ઓળખ કરવાનો નિર્ણય લીધો હતો. આના માટે એક પંચની પણ રચના કરવામાં આવી હતી. બુરુંડીમાં 1993માં ગૃહયુદ્ધ છેડાઈ ગયું હતું અને તે છેક 2005 સુધી ચાલેલું. આ દરમિયાન કુલ મળીને ત્રણેક લાખ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોવાનું એક અનુમાન છે. બુરુંડીમાં 1965, 1969, 1972, 1988 અને 1993માં મોટાપાયે સામૂહિક નરસંહાર પણ થયો હતો. જેમાં મોટાભાગે હુતુ અને તુત્સી લોકો શિકાર બન્યા હતાં. 
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer