કેજરીવાલના શપથગ્રહણમાં ભાજપના માત્ર એક વિધાનસભ્ય હાજર રહ્યા

નવી દિલ્હી,તા. 16  :  દિલ્હીના રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલના શપથગ્રહણ સમારોહમાં  વિધાયક વિજેન્દ્ર ગુપ્તાએ ભાજપનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પરંતુ દિલ્હી ભાજપના સાંસદો સમારોહમાં આવ્યા નહોતા. વધુમાં આમંત્રણ મળવા છતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વ્યસ્ત કાર્યક્રમના કારણે હાજર રહ્યા નહોતા. શપથગ્રહણ બાદ ભાજપ વિધાયકે આરોપ મુક્યો હતો કે તેમના માટે પહેલી પંક્તિમા બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી. વધુમાં કેજરીવાલે પોતાના શપથગ્રહણમાં કોઈ વિપક્ષી નેતાઓને આમંત્રણ આપ્યું નહોતું. જેના કારણે તેઓ એકલા ચાલોની નીતિ ઉપર આગળ વધી રહ્યા હોવાનો સંકેત મળ્યો હતો. 
ભાજપ વિધાયકે આરોપ મુક્યો હતો કે પહેલી બે પંક્તિઓમાં માત્ર વિધાયક અને સીએમના પરિવારજનોને બેસવાની વ્યવસ્થા હતી. બાદમાં દિલ્હી સરકારના અધિકારીઓ અને પછી તેમને બેસવા માટેની વ્યવસ્થા હતી. વિજેન્દ્ર ગુપ્તાએ એવો આરોપ પણ મુક્યો હતો કે ગાડી પાર્ક કરવાની પણ જગ્યા મળી નહોતી. જેના કારણે મિંટો બ્રિજ ઉપર કાર રાખવી પડી હતી. વધુમાં સમગ્ર કાર્યક્રમ આપનો રાજનૈતિક કાર્યક્રમ બનીને રહી ગયો હોવાનું કહ્યું હતું્. કહેવાય રહ્યું છે કે શપથગ્રહણ કાર્યક્રમમાં 40 હજાર લોકો રામલીલા મેદાનમાં પહોંચ્યા હતા પણ દિલ્હી ભાજપના 7 સાંસદો અને પીએમને આમંત્રણ મળવા છતા પણ તેઓ હાજર રહ્યા નહોતા. પીએમ મોદી વારાણસીના પ્રવાસે હોવાથી કાર્યક્રમમાં પહોંચ્યા નહોતા. જ્યારે સાંસદોની ગેરહાજરીનું કારણ મળી શક્યું નથી. આ ઉપરાંત કેજરીવાલે વિપક્ષના પણ કોઈ મોટા નેતાને આમંત્રણ પાઠવ્યું નહોતું. આ રીતે કેજરીવાલે એકલા ચાલોની નીતિ સ્પષ્ટ કરી હોવાનું કહેવાય છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી અગાઉ પણ ઘણી બાબતોએ કેજરીવાલે પોતાના અલગ મંતવ્ય આપ્યાં હતાં.
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer