નાશિક પાસે મહિલાને પ્રેમીએ સળગાવી કે પછી તેણે અગ્નિસ્નાન કર્યું?

નાશિક, તા. 16 : નાશિક પાસે લાસલગાંવ ખાતે શનિવારે એક મહિલા પર પેટ્રોલ રેડી તેને જીવતી બાળવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે.
લાસલગાંવ પાસે પિંપળગાંવમાં આ ઘટના બની છે. આ ઘટનામાં મહિલા 67 ટકા દાઝી ગઈ હોવાથી તેની હાલત ગંભીર છે અને તેને સારવર અર્થે મુંબઈમાં મસીના હૉસ્પિટલમાં શિફ્ટ કરાઈ છે.
આ મહિલા વિવાહિત છે અને ચાર જણે ભેગા મળીને તેને જીવતી બાળવાનો પ્રયાસ કરેલો. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ આ ઘટનાની તપાસ કરવાનો અને આરોપીઓ સામે કઠોર કાર્યવાહીનો આદેશ આપ્યો છે.
આ ઘટનાના મુખ્ય આરોપી રામેશ્વર ભાગવતની પોલીસે તાબડતોબ ધરપકડ કરી હતી. જોકે, રામેશ્વરે મહિલાને બાળવાના આરોપને નકારી કાઢ્યો છે. તેણે પોલીસને કહ્યું હતું કે આ મહિલાએ મને લગ્નનો પ્રસ્તાવ આપેલો, પણ મે એ નકારી કાઢ્યો હતો. શનિવારે તેણે મને એવી ધમકી આપી હતી કે તું મારી સાથે લગ્ન કરે છે કે પછી હું મારા પર પેટ્રોલ નાખી અગ્નિસ્નાન કરું. મેં તોપણ ના પાડી હતી. એટલે તેણે ધમકીનો અમલ કર્યો હતો.
આરોપી રામેશ્વર ભાગવત અને આ મહિલા વચ્ચે છેલ્લા થોડા દિવસથી સંબંધ હતાં. એવું કહેવાય છે કે બે મહિના પહેલાં બન્નેએ મંદિરમાં લગ્ન પણ કરેલા. જોકે, રામેશ્વરની સગાઈ તેમના એક સંબંધીની દીકરી સાથે થતાં બન્ને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. એટલે આ ઝઘડાને કારણે તેણે અગ્નિસ્નાન કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું પણ કહેવાય છે.
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer