કોરોના વાઈરસ : મહારાષ્ટ્રમાં 60માંથી 56ના ટેસ્ટ નેગેટિવ

મુંબઈ, તા.16 (પીટીઆઇ) : ચીનમાં ત્રાસ ફેલાવનારા કોરોના વાઇરસના 60 શંકાસ્પદોને મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ક્રિનિંગ બાદ અલગ તારવાયા હતા જેમાંથી 56 વ્યક્તિના મેડિકલ રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે અને બાકીનાં ચારનાં મેડિકલ રિપોર્ટ આવવાના બાકી છે. 56માંથી પચાસ વ્યક્તિને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, એમ રાજ્ય સરકારના એક અધિકારીએ આજે કહ્યું હતું. 
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે મુંબઈમાં ફિલિપીનો ક્રુઝ વેસેલમાંથી ઉતરેલી એક વ્યક્તિને કફ અને તાવની તકલીફ હોવાથી અલગ તારવીને ક્રિનિંગ કરાયું હતું એનો મેડિકલ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. જરૂરી તપાસ બાદ આ જહાજને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી અને હવે જહાજ પોરબંદર સુધી પહોંચી ગયું છે.
સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસ સંબંધી માહિતી આપતા આ અધિકારીએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ 60 વ્યક્તિને કોરોનાના શંકાસ્પદ અસરગ્રસ્ત ગણીને અલગ તારવાયા હતા અને તેમને હૉસ્પિટલમાં અલગ વૉર્ડમાં દાખલ કરાયા બાદ મેડિકલ ટેસ્ટ માટેના તેમના જરૂરી નમૂના પુણેની નૅશનલ ઇન્સ્ટીટયૂટ અૉફ વાયરોલોજીમાં મોકલાયા હતા. કુલ 60માંથી 56ના મેડિકલ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને ચારના મેડિકલ રિપોર્ટ આવવાના બાકી છે. જેમના કોરોના વાઇરસ સંબંધી મેડિકલ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે એ 56માંથી પચાસ વ્યક્તિને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકારની આ સંબંધી અખબારી યાદીમાં જણાવાયા પ્રમાણે 18 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ ખાતે 36,028 વિમાન પ્રવાસીઓના કોરોના વાઇરસ સંબંધી ક્રિનિંગ કરાયા છે, ચીનમાં કોવિડ (કોરોના વાઇરસ)-19થી અસરગ્રસ્ત વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 216 વ્યક્તિ મહારાષ્ટ્રમાં પ્રવેશી છે જેમાંથી 137 વ્યક્તિએ 14 દિવસનો ફોલો-અપ પિરિયડ પણ વિતાવી દીધો છે જે દર્શાવે છે કે તેમને આ ખતરનાક વાઇરસની અસર નથી. ચીનના અસરગ્રસ્ત વિસ્તારમાંથી મહારાષ્ટ્રમાં આવતા તમામ વિમાન પ્રવાસીઓના ક્રિનિંગ કરવામાં આવે છે અને તેમને 14 દિવસ સુધી અલગ વૉર્ડમાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવે છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, એ રાહતની વાત છે. રાજ્યમાં કુલ 361 બૅડ્સ ધરાવતા 39 આઇસોલેશન વૉર્ડ કાર્યરત છે.
મળતી માહિતી પ્રમાણે ચીનના હુવાઇ પ્રાંતમાં કોરોના વાઇરસે કાળો કહેર વર્તાવ્યો છે અને શનિવાર સુધીમાં ચીનના આ પ્રાંતમાં અત્યાર સુધીમાં આ વાઇરસે 1,665 લોકોનો ભોગ લીધો છે અને 68,500 જેટલા કોરોના વાઇરસ અસરગ્રસ્તો સારવાર હેઠળ છે.
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer