નરેન્દ્ર મોદી-અમિત શાહની જોડી અપરાજિત નથી : સંજય રાઉત

નરેન્દ્ર મોદી-અમિત શાહની જોડી અપરાજિત નથી : સંજય રાઉત
મુંબઈ, તા.16 (પીટીઆઇ) : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહની જોડી અપરાજિત નથી એમ દિલ્હી વિધાનસભાની ચૂંટણીએ બતાડી આપ્યું છે, એમ શિવસેનાના સિનિયર નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે જણાવ્યું હતું. 
શિવસેનાના મુખપત્ર `સામના'ના એક્ઝિક્યુટિવ એડિટર રાઉતે સામનામાં પોતાની અઠવાડિક કોલમમાં ચૂંટણીમાં ભાજપના ધર્મ કેન્દ્રીત રાજકારણને વખોડવા સાથે જ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારના વિકાસ કાર્યોને વખાણ્યા હતા. રાઉતે લેખ દ્વારા જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી બાદ અપરાજેય મનાતો ભાજપનો દિલ્હીની ચૂંટણીમાં પત્તાના મહેલની જેમ ભોંયસરસો પરાજય થયો છે. કોઇ દેશ ધર્મ વિહોણો તો હોઇ જ શકે, પરંતુ ધર્મનો અર્થ દેશભક્તિ નથી...ભાજપે દિલ્હીની ચૂંટણીમાં ભગવાન શ્રીરામને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ હનુમાન-ભક્ત કેજરીવાલ દિલ્હીમાં રામરાજ્ય લાવ્યા. દિલ્હી પર હનુમાન ભક્ત કેજરીવાલ છવાઇ ગયા અને દિલ્હીવાસીઓ હનુમાનજીની પાછળ રામ બનીને ઉભા રહ્યા. ભાજપે આ ચૂંટણી પરથી બોધપાઠ લેવાની જરૂર છે. રાઉતે પ્રશ્ન કર્યો હતો કે ભાજપે પ્રચારમાં કહ્યું હતું કે ભાજપને મત ન આપનારા દેશના ગદ્દાર છે, તો શું આખી દિલ્હીને ભાજપ ગદ્દાર માને છે?
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer