જામિયામાં પોલીસના હુમલાનો વીડિયો વાઈરલ

જામિયામાં પોલીસના હુમલાનો વીડિયો વાઈરલ
કૉંગ્રેસે કરી કાર્યવાહીની માગ
પ્રિયંકાએ કહ્યું: ગૃહપ્રધાન, દિલ્હી પોલીસ જુઠ્ઠું બોલી રહ્યા છે : ક્રાઇમ બ્રાંચે વીડિયોની તપાસનો આદેશ આપ્યો
નવી દિલ્હી, તા. 16 : જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં પોલીસે બળપ્રયોગ કર્યાનાં દાવાનો વીડિયો સામે આવતાં ચોતરફ થઇ રહેલી દિલ્હી પોલીસની નિંદા વચ્ચે કોંગ્રેસે પણ આ મુદ્દે ઝંપલાવ્યું છે. કોંગ્રેસે કાર્યવાહીની માગ કરતાં દિલ્હી પોલીસ ઉપર ખોટું બોલવાનો આરોપ મૂકયો છે. 
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લાઇબ્રેરીનો વીડિયો ટ્વિટ કરીને લખ્યું હતું કે, દિલ્હી પોલીસે લાઇબ્રેરીમાં ઘૂસીને છાત્રો સાથે મારપીટ કરવાના આરોપ ઉપર ખોટું બોલ્યું. સરકાર હજી પણ આ મામલે કાર્યવાહી નહીં કરે તો તેનો અર્થ એ કે સરકારની નિયત સારી નથી. બીજી તરફ દિલ્હી ક્રાઇમ બ્રાંચે વીડિયોનું પરિક્ષણ કરવાની સુચના આપી હતી.
જામિયા કો-ઓર્ડિનેશન કમિટીએ જારી કરેલા વીડિયો ઉપર પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યુ હતું. કે, જુઓ એક યુવક પુસ્તક દેખાડી રહ્યો છે પરંતુ પોલીસ લાકડીઓ ચલાવી રહી છે. ગૃહમંત્રી અને દિલ્હી પોલીસનાં અધિકારીઓએ આ મામલે જૂઠ્ઠું બોલ્યું   છે.
આ વીડિયો જોયા બાદ પણ જો કોઇ જ કાર્યવાહી નહીં થાય તો સરકારની નિયત દેશની સામે આવી જશે.
ઉલ્લેખનીય છે કે 15 ડિસેમ્બર-2019ના દિવસે સીએએનો વિરોધ કરી રહેલા જામિયાના છાત્રોના વિરોધ પ્રદર્શનમાં હિંસા ભડકયા બાદ દિલ્હી પોલીસે કરેલી કાર્યવાહી ઉપર સવાલ ઉઠાવાયા હતા. છાત્રોએ આરોપ મુકયો હતો કે, પોલીસે લાઇબ્રેરીમાં ઘૂસીને છાત્રો ઉપર બળપ્રયોગ કર્યો હતો. 
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer