રાષ્ટ્રવાદીના પ્રધાનોની આજે મહત્ત્વની બેઠક

રાષ્ટ્રવાદીના પ્રધાનોની આજે મહત્ત્વની બેઠક
પવાર પણ નાશિકની મુલાકાત રદ કરી મુંબઈ આવી ગયા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ચીફ શરદ પવારે તેમની નાશિકની મુલાકાત રદ કરી મુંબઈ આવી ગયા છે. સોમવારે (આજે) તેમણે પોતાના પક્ષના 16 પ્રધાનોની એક મહત્ત્વની બેઠક બોલાવી છે. ભીમા - કોરેગાંવ પ્રકરણની તપાસના મુદ્દે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચેના મતભેદ સપાટી પર આવ્યા એ પાર્શ્વભૂમિમાં આ બેઠક મહત્ત્વની બની રહે છે.
રવિવારે રાજ્યના વકીલોની પરિષદના સમાપન કાર્યક્રમમાં ભાગ લેવા શરદ પવાર નાશિક જવાના હતા અને ત્યાં પક્ષના કાર્યકર્તાઓને પણ મળવાના હતા. જોકે, શરદ પવાર જળગાંવથી હૅલિકોપ્ટરમાં નાશિક સુધી આવ્યા હતા. હૅલિકોપ્ટર હેલિપેડ પર ઉતર્યું કે તરત જ ત્યાંથી મુંબઈ જવા હૅલિકોપ્ટર રવાના થયું હતું.
ભીમા-કોરેગાંવ પ્રકરણની તપાસ કેન્દ્રએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ને સોંપી અને ઉદ્ધવ ઠાકરે સરકારે એનો વિરોધ ન કર્યો એ સામે શરદ પવારને વાંધો છે.
શરદ પવારે આ પહેલા જળગાંવમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીની સરકાર તૂટી પડશે એવી ભાજપના નેતાઓ ગમે તેટલી આગાહી કરે તો પણ આ સરકાર પાંચ વર્ષ ટકી જશે. અમે ગામડીયા છીએ અને અમને જ્યોતિષી ખબર નથી. જેને જ્યોતિષીની ખબર પડે છે એવા લોકો ભાજપમાં ઘણા બધા છે.
તેમણે કહ્યું હતું કે ભાજપ ફરીથી `િમશન લોટસ' શરૂ કરવાનું છે એમ કહેવાય છે, પણ એનાથી કોઈ ફરક પડતો નથી. મધ્યાવર્તી ચૂંટણીની ચર્ચા પણ થઈ રહી છે. આ ચર્ચા કોણે શરૂ કરી એની મને ખબર નથી. જોકે, એટલું જરૂર કહીશ કે આ ચર્ચા સત્ત્વ નિરર્થક છે.
મહારાષ્ટ્રમાં મહિલાઓ પર થયેલા અત્યાચાર બાબતે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં સરકાર કોઈની પણ હોય મહિલા પર અત્યાચાર થાય એ સરકાર માટે શોભાસ્પદ નથી. સિટિઝન અમેન્ડમેન્ટ ઍક્ટ અને નેશનલ રજિસ્ટર અૉફ સિટિઝન્સ વિશે સરકારને જે ભૂમિકા લેવી હોય તે લે, પણ અમારા પક્ષે આ બંનેનો વિરોધ કર્યો છે. અમે સંસદમાં પણ વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer