ભારત પાસે હિન્દુ સમાજ સિવાય કોઇ વિકલ્પ નથી : મોહન ભાગવત

ભારત પાસે હિન્દુ સમાજ સિવાય કોઇ વિકલ્પ નથી : મોહન ભાગવત
શિક્ષણ અને સંપન્નતાની સાથે સાથે અહંકાર પણ પ્રવેશ્યો હોવાથી કુટુંબ અને સંસ્કાર પણ વિખેરાઇ ગયા છે
અમારા પ્રતિનિધિ દ્વારા 
અમદાવાદ, તા.16:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંધ સંચાલન મોહન ભાગવત ગઇકાલથી ગુજરાતના પ્રવાસે છે. ગઇ કાલે આરએસએસના નવા બિલ્ડીંગનું ઉદઘાટન કર્યા બાદ આજે સ્વયં સેવકોના પરિવાર મિલન કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારત પાસે હિન્દુ સમાજ સિવાય કોઇ વિકલ્પ નથી અને હિન્દુ સમાજને પોતાના કુટુંબના આચરણ સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. આ પવિત્ર સંકલ્પ સાથે આપણે આજથી જ સક્રિય થઇએ. 
તેમણે કુટુંબ અને પરિવાર પર વિસ્તૃત સમજ આપતા જણાવ્યું હતું કે નોકર-ચાકર એમ કોઇની પણ સાથે ભેદભાવ ન રાખવો જોઇએ અને તેમને પણ આપણા પરિવારના એક સભ્ય તરીકે ગણવા જોઇએ. 
તેમણે જણાવ્યું હતું કે આપણા પરિવારમાં ભાઇ, બહેન, કાકા, દાદા વગેરે હોય છે પરંતુ તેમાં આજના જમાનામાં બાદબાકી થતી જાય છે. ભાઇ, ભાઇની સાથે રહેતા નથી અને તેના કારણો સંસ્કૃતિનો લોપ થતો જાય છે. આવું ન થવું જોઇએ. 
આજકાલ ડિવોર્સનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. વાત વાતમાં ઝઘડા થાય છે પણ તેનું પ્રમાણ શિક્ષીત અને સંપન્ન વર્ગમાં ઘણું ઊંચુ છે, કારણ કે શિક્ષણ અને સંપન્નતાની સાથે સાથે અહંકારે પણ પ્રવેશ કર્યો છે. જેના કારણે કુટુંબ વિખરાઇ ગયું છે, તેમજ સંસ્કાર પણ વિખેરાઇ ગયા છે. 
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રોજે ઘરમાં પરિવાર સાથે થોડી ચર્ચા કરવાનો સમય કાઢો. જોકે તેમાં સિનેમા, ક્રિકેટ કે રાજકારણ જેવા વિષયો ન હોવા જોઇએ. તેમણે જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિના ચિહ્નો જેમ કે તુલસીનો છોડ, સાથીયો, શુભલાભ ઘરમાં લખેલું હોવું જોઇએ. આમ આ રીતે આપણી સંસ્કૃતિને વળગીને રહી શકીએ છીએ. 
આજે ભૌતિક સુખો વધ્યા છે પરંતુ સંસ્કૃતિ પાછળ રહી ગઇ છે. તેમણે જણાવ્યું હતું કે જરૂરિયાત પૂરતું જ કમાઓ અને સમાજના માટે આપણે એક ઉદાહરણરૂપ બનીએ તેવો જીવનનો ઉદ્દેશ રાખો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજકારણને બદલે આપણે પોતે આપણી પર જ ધ્યાન રાખીએ અને સમાજને નવી દિશા ચિંધીએ. 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગૃહસ્થ છે ત્યારે જ સમાજ છે, તે નથી તો સમાજ નથી. કારણ કે સમાજ ચલાવવાનું કામ તો ગૃહસ્થ જ કરે છે. આપણે દેશના ઇતિહાસમાં જ્યાં જ્યાં કોઇ પરાક્રમ, વીરતા, વિજય, વૈભવ અને સદબુદ્ધિનું પર્વ છે ત્યાં તમે જોશો કે તે તમામ કાર્યોને મન, વચન, કર્મથી કુટુંબના આશિર્વાદ મળ્યા છે. જ્યાં સમાજ સંગઠિત છે ત્યાં કુટુંબના સંસ્કારો છે. 
તેમણે અંતમાં જણાવ્યું હતુ કે વ્યક્તિગત જીવન, કૌટુંબિક જીવન, આજીવિકાનું જીવન અને સામાજિક જીવન અને જીવનના ચાર આયામમાં સંઘની ઝલક હોય તેવા કુટુંબ હોવા જોઇએ અને કુંટુંબમાં સાથે પરિવાર હશે ત્યારે રાષ્ટ્ર વૈભવશાળી બનશે અને ત્યારે દુનિયા પાસે ભારત સિવાય બીજો કોઇ વિકલ્પ રહેશે નહી.
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer