ફેબેક્સા-ટુની રવિવારે પાંચ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી

ફેબેક્સા-ટુની રવિવારે પાંચ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી
વેપારીઓએ આગામી ચારથી પાંચ મહિનાના ઓર્ડર બુક કર્યા 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 16 : ફેબેક્સા-2ના આજે ત્રીજા દિવસે પાંચ હજારથી વધુ સંખ્યામાં વેપારીઓ તેમજ એજન્ટોનો ધસારો જોવા મળ્યો હતો. દરેક સ્ટોલમાં આજે અનેક પૂછપરછો જોવા મળી હતી. તેમજ આગામી ઇદ અને દિવાળી જેવા તહેવારોને લઇને ગુજરાતના વેપારીઓએ મોટી સંખ્યામાં ઓર્ડરો બુક કર્યા હતા. આજના ધસારાને ધ્યાનમાં રાખતા મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા એક્ઝિબીશન પૂર્ણ થવાના સમયમાં ફેરફાર કરીને સાત વાગ્યાને બદલે આઠ વાગ્યા સુધીનો લંબાવ્યો હતો. તેમજ જન્મભૂમિ જૂથના આર્થિક અખબાર અને ફેબેક્સા-2માં મીડિયા પાર્ટનર 'વ્યાપાર'ના સ્ટોલની પણ મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી હતી.
આજે ગુજરાત સરકારના અનેક પ્રધાનો જેમ કે રાજ્યના મહેસુલ પ્રધાન કૌશિક પટેલ, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા અને ઉર્જાપ્રધાન સૌરભભાઇ પટેલે ફેબેક્સા-2ની મુલાકાત લીધી હતી.
મસ્કતી કાપડ માર્કેટ મહાજનના ગૌરાંગ ભગતે જણાવ્યું હતુ કે ફેબેક્સા-2ના આજે ત્રીજા દિવસે આખા ભારતમાંથી કુલ 4500 જેટલા વેપારીઓ અહીં ગાંધીનગર પધાર્યા હતા. શરૂમાં બે દિવસમાં થોડો ઓછો વેપાર થયો છે. પરંતુ આજે વેપારીઓને આગામી ચાર મહિના સુધીના ઓર્ડર મળ્યા છે. તેમજ મહાજન દ્વારા જે પારદર્શકતાથી વહીવટ કરવામાં આવે છે તેની ગુજરાતમાં પ્રશંસા કરવામાં આવી છે. આ ઉપરાંત આ એક્ઝિબીશનમાં નવા શુટીંગ, શર્ટિંગના જે ટ્રાઉઝર્સ બની રહ્યા છે તેનું સારી રીતે ડીસ્પ્લે કરવામાં આવ્યા છે. 
ગુજરાતના ઉર્જા પ્રધાન સૌરભભાઇ પટેલે ફેબેક્સા-2 વિશે જણાવ્યું હતું કે આ ખૂબ સરસ મજાનું એક્ઝિબીશન છે. જેમાં ટોપ ઓફ ધ લાઇનમાં વ્યવસાયમાં જે લોકો છે જે પોતાની પ્રોડક્ટનું નિદર્શન કરી રહ્યા છે, આ રિટેલ એક્ઝિબીશન નથી પરંતુ બલ્ક પરચેઝરને આખા ભારતમાંથી અહીં આમંત્રણ આપવામાં આવ્યું છે, પરિણામે મોટું વેચાણ થયું છે. ગુજરાતનો ટેક્સ્ટાઇલનો વ્યવસાય પણ વધવાની સાથે રોજગારી પણ વધશે. હું આયોજકોને અભિનંદન આપું છં કે તેનાથી તેમના વેપારીઓને ખૂબ લાભ થશે તે ગુજરાતની જનતા અને સરકાર માટે સારુ છે.
રાજ્યના મહેસુલ કૌશિક પટેલે જણાવ્યું હતું કે ગુજરાત અને અમદાવાદની શાન એવા મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા આયોજિત એક્ઝિબીશન આંતરરાષ્ટ્રીય સ્તરને ધ્યાનમાં રાખેને આયોજન કર્યું છે. ગુજરાતની ખાસ કરીને અમુક ઓળખ છે, ડાયમંડ, કેમિકલ્સ હોય કે ફાર્માસ્યુટિક્લસ હોય, તેવી જ ઓળખ ટેક્સ્ટાઇલની રહી છે જે એક ગુજરાતી તરીકે મારા માટે ખૂબ આનંદની વાત છે. મને જાણમાં છે ત્યાં સુધી એક જમાનામાં 70 મિલો હતી. સદીઓ પહેલ ગુજરાતમા બનેલા કોટનને વિશ્વના લોકો અપનાવતા હતા. વચ્ચે થોડો ગાળો મંદીનો આવી ગયો પરંતુ ગુજરાતે ટેકનોલોજી સાથે તેમાં વિકાસ કરીને વિશ્વમાં ડીમાન્ડ ઊભી કરી છે તેની પાછળના અનેક પરિબળ તરીકે આજના ફેબેક્સાને ગણી શકાય.
રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ફેબેક્સા-2 વિશે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ફેબેક્સા-2થી ગુજરાતના વેપારીઓને મોટી તકો સાંપડશે. મહાજન દ્વારા જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તેણે બહારગામના વેપારીઓ તેમજ એજન્ટોમાં એક પ્રકારનું આકર્ષણ ઉપજાવ્યું છે તેમજ ગુજરાતના વિકાસમાં ટેક્સ્ટાઇલનું યોગદાન અગત્યનું રહેશે. આ માટે હું મસ્કતી કાપડ માર્કેટ મહાજનને અભિનંદન આપુ છું. 
અમદાવાદ ટેક્સ્ટાઇલ એસોસિયેશનના વાઇસ પ્રેસિડન્ટ અને મસ્કતી કાપડ માર્કેટ મહાજનના સેક્રેટરી નરેશ શર્માએ જણાવ્યું હતું કે ફેબેક્સા-2એ ગુજરાતના કાપડના વેપારીઓ માટે નવી દિશા ખોલી છે. તેમજ વેપારીઓને આ એક્ઝિબીશન દરમિયાન ઘણા નવા ગ્રાહકો મળ્યા છે.
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer