ભાજપ હવે પછી એકલે હાથે ચૂંટણી લડે એવી શક્યતા

ભાજપ હવે પછી એકલે હાથે ચૂંટણી લડે એવી શક્યતા
નડ્ડાએ મહારાષ્ટ્રની સરકારને અવ્યવહારુ સરકાર ગણાવી
મુંબઈ, તા.16 (પીટીઆઈ) : ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની સહિયારી મહાવિકાસ આઘાડી અકુદરતી ગંઠબંધનની અવ્યવહારુ સરકારે રાજ્યનો વિકાસ ઠપ કરી નાખ્યો છે એમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કોઈ પણ પાર્ટી કે નેતાનું નામ લીધા વગર આજે જણાવ્યું હતું. નવી મુંબઈના નેરૂલમાં મહારાષ્ટ્ર ભાજપના અધિવેશનમાં બોલતા નડ્ડાએ કહ્યું હતું કે ભવિષ્યની ચૂંટણીઓ એકલા હાથે લડવા પાર્ટીએ સજ્જ થવું પડશે.
પાર્ટીના અધિવેશનને સંબોધતા નડ્ડાએ કહ્યું હતું કે ગયા વર્ષે અૉક્ટોબરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સરકારને જનાદેશ મળ્યો હતો, પરંતુ કેટલાંક સ્વાર્થી લોકોએ સત્તા માટે વિપક્ષો સાથે હાથ મિલાવ્યા છે. હવે પછીની ચૂંટણી આપણે એકલા હાથે જીતીશું એવો મને વિશ્વાસ છે.
નડ્ડાએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર અકુદરતી ગઠબંધનની અવ્યવહારુ સરકાર છે. કેટલાંકે અંગત ફાયદા માટે ભાજપ સાથે છેડો ફાડીને વિપક્ષો સાથે હાથ મિલાવીને આંકડાનો ખેલ ખેલ્યો છે. આપણે ભવિષ્યની ચૂંટણી એકલા હાથે લડીને જીતીશું એવો વિશ્વાસ છે. 
આયાતી નેતાઓ આગલી હરોળમાં
મહારાષ્ટ્ર ભાજ પના અધિવેશનમાં મંચ પર અન્ય પાર્ટીઓમાંથી આવેલા નેતાઓને મંચ પર આગલી હરોળમાં સ્થાન અપાતા કેટલાય સિનિયર નેતાઓના ભવાં વંકાયા છે. ખાસ તો ભાજપના સિનિયર નેતા એકનાથ ખડસેને બીજી હરોળમાં સ્થાન મળ્યું હતું અને થોડી વાર માટે ખડસેને આગળની હરોળમાં બેસાડાયા ત્યારે બાજુમાં જ ગણેશ નાઇકને સ્થાન આપવામાં આવ્યું હતું.
શરૂઆતમાં તો આગલી હરોળમાં અન્ય પાર્ટીઓમાંથી ભાજપમાં આવેલા સાતારાના પૂર્વ સંસદ સભ્ય ઉદયનરાજે ભોસલે, નારાયણ રાણે અને ગણેશ નાઇક જેવા નેતાઓ બેઠા હતા અને ખડસેને બીજી હરોળમાં બેસાડાયા હતા. આ દ્દશ્યો જોઇને કેટલાંય કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો હતો તેથી ખડસેને આગલી હરોળમાં 
બેસાડાયા હતા અને એ પણ નાઇકની બાજુમાં. જોકે, બાદમાં પણ ખડસેને કદ પ્રમાણે વેતરી નાખવાનો આ પ્રયાસ હોવાનું કાર્યકરો કહી રહ્યા હતા.
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer