હિંમત હોય તો મહારાષ્ટ્રમાં ફરીથી ચૂંટણી કરાવો ફડણવીસ

હિંમત હોય તો મહારાષ્ટ્રમાં ફરીથી ચૂંટણી કરાવો ફડણવીસ
મુંબઈ, તા.16 : અમારે સરકાર પાડવાની જરૂર નથી, એની મેળે પડશે. જો હિંમત હોય તો ફરીથી મહારાષ્ટ્રમાં ચૂંટણી જાહેર કરો, એવો ખુલ્લો પડકાર વિધાનસભાના વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આજે નવી મુંબઈમાં ભાજપના પ્રદેશ અધિવેશનમાં રાજ્ય સરકાર સમક્ષ ફેંક્યો હતો. હિંમત હોય તો શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની સહિયારી મહાવિકાસ આઘાડી સરકારને પાડી બતાડો એવો પડકાર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં ભાજપને ફેંક્યો હતો તેના જવાબમાં ફડણવીસે આજે ભાજપના પ્રદેશ અધિવેશનમાં આ સામો પડકાર ફેંક્યો હતો.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ સાથેની યુતિ અઘોષિતપણે તોડીને શિવસેનાએ એનસીપી અને કૉંગ્રેસ સાથે મળીને મહારાષ્ટ્રમાં સહિયારી મહાવિકાસ આઘાડીની સરકાર બનાવી ત્યારથી જ સતત ભાજપ વેગળી વાચારસરણી ધરાવતી આ ત્રણેય પાર્ટીની સરકાર લાંબું નહીં ખેંચે એવી ટીકા કરતો રહ્યો છે. આવી ટીકાનો જવાબ આપતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં જળગાંવમાં કહ્યું હતું કે અમારી સરકાર મજબૂત છે, અમે ત્રણેય પાર્ટી સાથે મળીને સરકાર ચલાવીએ છીએ. તમારામાં (ભાજપ)માં હિંમત હોય તો સરકાર પાડી બતાડે.
વધુમાં ફડણવીસે નાગરિકતા સુધારિત કાનૂન (સીએએ) સંદર્ભે એનસીપીના અધ્યક્ષ શરદ પવારના નિવેદન વિશે કહ્યું હતું કે આ કાયદાથી ભટકતી અને વણઝારા સમુદાયને કેવી રીતે ત્રાસ થશે એ કહી બતાડે નહીંતર આવા નિવેદન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માફી માગે એવી માગણી કરી હતી.

Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer