કેજરીવાલે દિલ્હીના વિકાસ માટે વડા પ્રધાનના આશીર્વાદ માગ્યા

કેજરીવાલે દિલ્હીના વિકાસ માટે વડા પ્રધાનના આશીર્વાદ માગ્યા
ઐતિહાસિક રામલીલા મેદાનમાં લીધા મુખ્ય પ્રધાનપદના શપથ 
નવી દિલ્હી, તા. 16 (પીટીઆઈ): દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ આજે અરવિંદ કેજરીવાલે છ મંત્રીઓ સાથે ઐતિહાસિક રામલીલા મેદાનમાં સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. શપથગ્રહણ બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું હતુંકે તેઓ પુરી દિલ્હીના સીએમ છે. કોઈપણ દળ, જાતિ-ધર્મ તમામ માટે પોતે કામ કરશે. કેજરીવાલે નવા પ્રકારની રાજનીતિનો શ્રેય દિલ્હીના લોકોને આપતા કહ્યું હતું કે પુરા દેશની રાજનીતિ બદલાઈ રહી છે. આ સાથે અરવિંદ કેજરીવાલે આગામી પાંચ વર્ષ માટે તમામ દિલ્હીવાસીઓનો સાથ માગ્યો હતો અને દિલ્હીના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પણ આશિર્વાદની અપેક્ષા રાખી હતી. 
કેજરીવાલે છ મંત્રીઓ સાથે શપથગ્રહણ કર્યા બાદ કહ્યું હતું કે તમારા પુત્રએ ત્રીજી વખત શપથ લીધા છે. આ દરેક દિલ્હીવાસીઓની જીત છે. એક એક માં, બહેન, યુવા, છાત્રો અને પરિવારની જીત છે. છેલ્લા પાંચ વર્ષમાં સતત પ્રયાસ કરવામાં આવ્યો છે કે દરેક દિલ્હીવાસીઓના જીવનમાં ખુશી લાવી શકાય. કેજરીવાલે કહ્યું હતું કે `સબ લોગ અપને ગાંવ મે ફોન કરકે કહ દેના હમારા બેટા સીએમ બન ગયા અબ ચિંતા કી બાત નહી હૈ' અરવિંદ કેજરીવાલે દિલ્હીના તમામ લોકોને સાથે લઈને ચાલવાનું આશ્વાસન આપતા કહ્યું હતું કે ચૂંટણીમાં અમુક લોકોએ આપને મત આપ્યા તો અમુક લોકોએ ભાજપ અને કોંગ્રેસને મત આપ્યા છે. જો કે પોતે ભાજપ અને કોંગ્રેસના પણ મુખ્યમંત્રી છે.  ચૂંટણી પુરી થઈ છે અને હવે દિલ્હીના તમામ લોકો મારો પરિવાર છે. 
સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીના વિકાસ માટે તમામનો સાથ માગતા કહ્યું હતું કે, હજી દિલ્હી માટે ઘણા મોટા કામ કરવાના છે. તે એકલા થઈ શકે તેમ નથી. આ માટે તમામ મળીને કામ કરશે. 
ચુંટણીમાં રાજનીતિ થાય છે અને એકબીજા ઉપર નિવેદનબાજી કરવામાં આવે છે પણ હવે ચૂંટણી પુરી થઈ છે અને જુની વાતો ભુલીને તમામ પક્ષોને સાથે રાખીને દિલ્હીના વિકાસનો પ્રયાસ થશે. કેન્દ્ર સાથે મળીને કામ થશે.
આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ આશિર્વાદની અપેક્ષા છે. મફતમાં સેવાઓ અંગે કેજરીવાલે કહ્યું હતું કે, પ્રકૃતિ તમામ વસ્તુઓ મફતમાં આપે છે. તેવી જ રીતે સરકારી શાળામાં વિદ્યાર્થીઓ અને હોસ્પીટલોમાં દર્દીઓ પાસેથી પૈસા વસુલવા લાનતથી કમ નથી. 
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer